Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ટીમ ઈન્ડિયા ૨૮મીએ શ્રીલંકા રવાના થશેઃ બે સપ્તાહ કવોરન્ટાઈન રહેશે

૧ જુલાઈ સુધી કવોરન્ટાઈન, બાદ ૫ જુલાઈથી નિયમો હળવા થશે

મુંબઈઃ શિખર ધવનની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસે રવાના થતાં અગાઉ બે સપ્તાહ માટે કવોરન્ટાઈન થશે. શ્રીલંકામાં વન ડે અને ટી-૨૦ રમવા માટે જનારી ભારતીય ટીમમાં ભાવનગરના ચેતન સાકરિયાની પસંદગી કરવામાં આવી છે. ટીમના વાઈસ કેપ્ટન તરીકે ભુવનેશ્વર કુમારને પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે પંડયા બ્રધર્સ પણ ટીમમાં સ્થાન પામ્યા છે.

 

ભારતીય ટીમ તારીખ ૨૮મી જુને કોલંબો માટે રવાના થશે. જે અગાઉ તેઓ ૧૪મીથી મુંબઈમાં કવોરન્ટાઈન થાય તેવી શક્યતા છે. તમામ ભારતીય ક્રિકેટરો જ્યારે ટીમની સાથે જોડાશે, ત્યારે તેમના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. જે પછી છ દિવસના કવોરન્ટાઈન બાદ તેમને હોટલના જીમમાં જવાની પરવાનગી આપવામાં આવશે. આ પછી પણ નિયમિત સમયાંતરે તેમનું ટેસ્ટિંગ થશે. શ્રીલંકા પ્રવાસમાં ભારત તા. ૧૩,૧૬ અને ૧૮ જુલાઈએ વન ડે અને તા. ૨૧, ૨૩ અને ૨૫ જુલાઈએ ટી-૨૦ રમશે.

તારીખ ૨૮મી જુને કોલંબો પહોંચ્યા બાદ ભારતીય ટીમ ૧લી જુલાઈ સુધી કવોરન્ટાઈન રહેશે અને ત્યાર બાદ તેમના કવોરન્ટાઈનના નિયમો હળવા થશે. સાત દિવસનું કવોરન્ટાઈન પુરુ થશે ત્યાર બાદ ટીમ ૫ જુલાઈથી પ્રેકિટસ શરૂ કરશે.

ભારતીય ટીમઃ- ધવન (કેપ્ટન), ભુવનેશ્વર (વાઈસ કેપ્ટન), શો, પડિક્કલ, ગાયકવાડ, સૂર્યકુમાર, મનીષ પાંડે, હાર્દિક પંડયા, નિતિશ રાણા, ઈશાન કિસન (વિ.કી.), સેમસન (વિ.કી.), ચહલ, આર.ચાહર, ગોવ્થમ, કૃણાલ પંડયા, કુલદીપ, ચક્રવર્થી, ડી. ચાહર, સૈની અને ચેતન સાકરિયા.

(2:50 pm IST)