Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

સ્ટાર ફૂટબોલર સુનિલ છેત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ :ઓમાન સામે આંતરાષ્ટ્રીય ફ્રેન્ડલી મેચ રમી શકશે નહીં.

29 માર્ચના રમાનારી યુએઈ સામેની મેચમાં પણ તે સામેલ નહીં થઈ શકે

નવી દિલ્હી:ભારતીય ફૂટબોલ ટીમના સુકાની અને સ્ટાર સ્ટ્રાઈકર સુનિલ છેત્રી કોરોનાની ઝપટમાં આવી ગયા છે. સુનિલે પોતે જ તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનું ગુરુવારે જણાવ્યું છે. કોરોના સંક્રમણ થતા હવે તે દુબઈમાં 25 માર્ચના ઓમાન સામેની આંતરાષ્ટ્રીય ફ્રેન્ડલી મેચ રમી શકશે નહીં.

આ ઉપરાંત 29 માર્ચના રમાનારી યુએઈ સામેની મેચમાં પણ તે સામેલ નહીં થઈ શકે. બેંગલુરુ એફસીના સ્ટાર ફોરવર્ડ સુનિલે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરી હતી કે તેની તબીયત સારી છે. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે પરંતુ મને સારું લાગી રહ્યું છે જેથી હું વાયરસને આસાનીથી હરાવી શકીશ.

36 વર્ષીય છેત્રી ગત મહિને ગોવામાં બાયો સિક્યોર બબલમાં રહીને ઈન્ડિયન સુપર લીગમાં ભાગ લીધો હતો. બેંગલુરુ એફસી સેમિફાઈનલમાં પહોંચી નહીં શકતા ટૂર્નામેન્ટમાં અભિયાન પૂર્ણ થયું હતું. 25 ફેબ્રુઆરીએ છેલ્લે તે ટીમમાં રમ્યા હતા અને તેણો ગોલ પણ ફટકાર્યો હતો. બેંગલુરુ એફસીએ પાંચ મેચમાં વિજય મેળવ્યો હતો જ્યારે સાત મેચ ડ્રો થઈ હતી અને આઠ મેચ હારતા પોઈન્ટ ટેબલ પર તેનો સ્કોર 22 પોઈન્ટ રહ્યો હતો.

ભારતીય ફૂટબોલ ટીમ છેલ્લે નવેમ્બર 2019માં આંતરાષ્ટ્રીય મેચ રમી હતી. 2022 ફીફા વર્લ્ડ કપ ક્વોલિફાઈર્સ મેચમાં ભારતનો મુકાબલો અફઘાનિસ્તાન અને ઓમાન સામે થયો હતો.

(12:59 am IST)