Gujarati News

Gujarati News

News of Friday, 10th December 2021

વિરાટ કોહલીએ ટી-20નું સુકાનીપદ કેમ છોડ્યું ? : ગાંગુલીએ કર્યો મોટો ખુલાસો

સૌરવ ગાંગુલીએ સ્પષ્ટતા કરી કે નવા ODI સુકાની તરીકે નિયુક્ત કરતા પહેલા બોર્ડે અને પોતે વિરાટ કોહલી સાથે વાત કરી હતી.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના વડા અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે બોર્ડે વિરાટ કોહલીને ટી20માં ભારતીય ટીમની કેપ્ટનશીપ ન છોડવાની અપીલ કરી હતી. હાલમાં જ બીસીસીઆઈએ વિરાટ કોહલીને વન-ડે ટીમના સુકાનીપદેથી પણ હટાવી દીધો હતો. જો કે કોહલીએ ટી20માં જ ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. હવે રોહિત શર્મા ટી-20 અને વનડેમાં ભારતીય ટીમનું સુકાન સંભાળશે.

 

અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં ગાંગુલીએ કહ્યું કે ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે ગમે તેવું પ્રદર્શન કર્યું હોત તો પણ વિરાટ કોહલી જ કેપ્ટન રહેવાના હતા. પરંતુ તેમણે પહેલાથી જ કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કરી લીધો હતો. ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની મેચ હાર્યા બાદ ભારતીય ટીમ સેમીફાઈનલમાં જગ્યા બનાવી શકી ન હતી.

ગાંગુલીએ કહ્યું, “અમે વિરાટને ટી20ની કેપ્ટનશીપ ન છોડવાની અપીલ કરી હતી. સુકાનીપદ બદલવાની કોઈ યોજના નહોતી. પરંતુ તેણે ટી20ની કેપ્ટનશીપ છોડી દેવાનો નિર્ણય કર્યો. તે પછી પસંદગીકારોએ નિર્ણય કર્યો કે તેઓ સીમિત ઓવર ક્રિકેટ ફોર્મેટમાં બે કેપ્ટન રાખશે નહીં.

 

સૌરવ ગાંગુલીએ સ્પષ્ટતા કરી છે કે નવા ODI સુકાની તરીકે નિયુક્ત કરતા પહેલા બોર્ડે અને પોતે વિરાટ કોહલી સાથે વાત કરી હતી.

(12:29 pm IST)