Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ચેમ્પિયન ઓલરાઉન્ડર યુવરાજસિંહે ક્રિકેટમાંથી અંતે લીધેલી નિવૃત્તિ

બે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતને જીતાડવામાં મુખ્ય ભૂમિકા હતી : યુવરાજસિંહે ભારત તરફથી ૪૦ ટેસ્ટ મેચો, ૩૦૧ વનડે અને ૫૮ ટ્વેન્ટી મેચો રમી હતી : બ્રોડના એક જ ઓવરમાં ૬ છગ્ગાને ચાહકો ક્યારેય ભુલશે નહીં

નવીદિલ્હી, તા. ૧૦ : ટીમ ઇન્ડિયાના ચેમ્પિયન ઓલરાઉન્ડર યુવરાજસિંહે આજે ક્રિકેટના તમામ સ્વરુપમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. આની સાથે જ એક સારા યુગનો અંત આવ્યો હતો. યુવરાજસિંહે ભારતને વર્લ્ડકપ અપાવવામાં પણ ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. યુવરાજસિંહે બે વર્લ્ડ ચેમ્પિયનશીપ ૨૦૦૭માં વર્લ્ડકપ ટી-૨૦ અને ૨૦૧૧ના વર્લ્ડકપમાં ભાગ લીધો હતી અને બંને વર્લ્ડકપમાં ભારતને જીત અપાવવામાં ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. ૨૦૧૭ બાદથી યુવરાજસિંહની પસંદગી ભારતીય ટીમમાં કરવામાં આવી રહી ન હતી. એમ માનવામાં આવે છે કે, ૩૭ વર્ષીય યુવરાજસિંહ આઈસીસીથી માન્યતા પ્રાપ્ત વિદેશી ટી-૨૦ લીગમાં ફ્રીલાન્સ ક્રિકેટર તરીકે કેરિયર બનાવવા ઇચ્છુક છે. જીટી-૨૦ (કેનેડા), આયર્લેન્ડ અને હોલેન્ડમાં યુરો-ટી-૨૦માં રમવાની ઓફર મળી રહી છે. આ સ્ટાઇલિસ્ટ બેટ્સમેને છેલ્લે ભારત માટે ફેબ્રુઆરી ૨૦૧૭માં ઇંગ્લેન્ડ સામે ટી-૨૦ મેચ રમી હતી. આ પહેલા તે ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૧૭માં રમ્યો હતો. ત્યારબાદ વિન્ડિઝના પ્રવાસે ગયેલી ટીમનો હિસ્સો પણ રહ્યો હતો. યુવરાજે પોતાની વનડે કેરિયરની અંતિમ મેચ ૩૦મી જાન્યુઆરી ૨૦૧૭ના દિવસે વિન્ડિઝ સામે એન્ટીગુવામાં રમી હતી. પોતાની નિવૃત્તિની જાહેરાત કરતા યુવરાજસિંહે કહ્યું હતું કે, બાળપણથી જ તેના પિતા દેશ માટે રમવાના સ્વપ્નને પુર્ણ કરવાના પ્રયાસમાં લાગેલા હતા. યુવરાજે પોતાની ક્રિકેટ કેરિયરની વાત કરતા કહ્યું હતું કે, પોતાની ૨૫ વર્ષની કેરિયર અને ખાસ કરીને ૧૭ વર્ષની આંતરરાષ્ટ્રીય કેરિયરમાં અનેક ઉતારચઢાવ આવ્યા હતા. હવે તે આગળ વધવાનો નિર્ણય કરી ચુક્યો છે. આ ક્રિકેટની રમતથી તેને ઘણું શિખવા મળ્યું છે. કઇરીતે સંઘર્ષ કરવું જોઇએ તે બાબત પણ શિખવા મળી છે. યુવરાજસિંહે એક ક્રિકેટર તરીકે સફળતા હાંસલ કરવા બદલની ક્રેડિટ પોતાના પિતાને આપી હતી. યુવરાજે કહ્યું હતું કે, લાઇફમાં ક્યારે પણ હાર સ્વીકારી નથી. પિતાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે સતત મહેનત કરી હતી. નિવૃત્ત થયા બાદ યુવરાજસિંહે પત્રકાર પરિષદમાં અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. યુવરાજે કહ્યું હતું કે, આઈપીએલના ગાળા દરમિયાન તે સચિન સાથે નિવૃત્તિ અંગે વાત કરી રહ્યો હતો. સચિને તેને કહ્યું હતું કે, કેરિયર ક્યારે ખતમ કરવી છે તે અંગે નિર્ણય પોતાના સિવાય અન્ય કોઇ લઇ શકે નહીં. વધારે ટેસ્ટ મેચ રમવાની તક મળી નથી  તેને લઇને દુખ રહ્યું છે. કયા ખેલાડીમાં પોતાની છાપને નિહાળે છે તે અંગે પુછવામાં આવતા યુવરાજે કહ્યું હતું કે, રિષભ પંત સારો ખેલાડી છે અને તેનામાં તેની છાપ દેખાઈ આવે છે. ટીમ ઇન્ડિયાના વર્લ્ડકપ ૨૦૧૧માં કપ જીતવામાં યુવરાજની ભૂમિકા સૌથી ચાવીરુપ રહી હતી. યુવરાજની આ વર્લ્ડકપમાં મેન ઓફ ટુર્નામેન્ટ તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ વર્લ્ડકપમાં યુવરાજે ૩૬૨ રન બનાવવાની સાથે સાથે ૧૫ વિકેટ પણ લીધી હતી. ૨૦૦૭ના વર્લ્ડકપ ટી-૨૦માં ઇંગ્લેન્ડની સામે બ્રોડના એક જ ઓવરમાં છ છગ્ગા ફટકારીને યુવરાજે એક નવો ઇતિહાસ સર્જ્યો હતો. આ મેચમાં માત્ર બોલમાં યુવરાજે અડધી સદી પુરી કરી હતી. આ રેકોર્ડ આજે પણ યુવરાજના નામ ઉપર જ છે. આ ચેમ્પિયન ખેલાડીએ ભારત માટે ૪૦ ટેસ્ટ મેચ, ૩૦૪ વનડે અને ૫૮ ટી-૨૦ મેચો રમી હતી. ૩૦૪ વનડેમાં યુવરાજે ભારત માટે ૩૦૧ મેચો રમી હતી. ૪૦ ટેસ્ટ મેચોની ૬૨ ઇનિંગ્સમાં યુવરાજના નામ ઉપર ૧૯૦૦ રન છે અને જેમાં ત્રણ સદી અને ૧૧ અડધી સદીસામેલ છે. વનડે કેરિયરની વાત કરવામાં આવે તો યુવરાજે ૨૭૮ ઇનિંગ્સમાં ૮૭૦૧ રન બનાવ્યા હતા જેમાં ૧૪ સદી અને બાવન અડધી સદી સામેલ છે. ૫૮ ટી-૨૦ મેચોમાં ૧૧૭૭ રન તેના નામ ઉપર છે જેમાં આઠ અડધી સદી સામેલ છે.

ટેસ્ટ મેચમાં નવ વનડે ૧૧૧ અને ટી-૨૦માં ૨૮ વિકેટ તે ઝડપી ચુક્યો છે. ૨૦૧૧ના વર્લ્ડકપ બાદ યુવરાજની તબિયત એકાએક બગડવા લાગી હતી જેના કારણે ચાહકો હચમચી ઉઠ્યા હતા. યુવરાજના ફેફસામાં કેન્સર ટ્યુમરના સમાચાર મળતા ક્રિકેટ ચાહકો આઘાતમાં ગરકાવ થઇ ગયા હતા. સારવાર માટે લાંબાસમય સુધી ક્રિકેટથી દૂર રહેવાની ફરજ પડી હતી. યુવરાજ આ ટ્યુમરની પીડા સાથે વર્લ્ડકપમાં રમ્યો હતો પરંતુ તે વખતે આ વાત કોઇની સામે જાહેર કરી ન હતી.

યુવરાજસિંહ પ્રોફાઇલ

નવીદિલ્હી, તા. ૧૦ : ટીમ ઇન્ડિયાના ચેમ્પિયન ઓલરાઉન્ડર યુવરાજસિંહે આજે ક્રિકેટના તમામ સ્વરુપમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. આની સાથે જ એક સારા યુગનો અંત આવ્યો હતો. યુવરાજસિંહે ભારતને વર્લ્ડકપ અપાવવામાં પણ ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. યુવરાજ પ્રોફાઇલ નીચે મુજબ છે.

ટેસ્ટ મેચોમાં

 

ટેસ્ટ

૪૦

ઇનિંગ્સ

૬૨

રન

૧૯૦૦

સદી

અડધી સદી

૧૧

વનડે મેચોમાં

 

વનડે

૩૦૧

ઇનિંગ્સ

૨૭૮

રન

૮૭૦૧

સદી

૧૪

અડધી સદી

૫૨

ટી-૨૦ મેચોમાં

 

મેચ

૫૮

રન

૧૧૭૭

અડધી સદી

૦૮

બોલિંગમાં સિદ્ધિ

 

ટેસ્ટમાં વિકેટ

૦૯

વનડેમાં વિકેટ

૧૧૧

ટ્વેન્ટીમાં વિકેટ

૨૭

 

(7:38 pm IST)