Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

પસંદગીકારોએ રાયડુના સ્થાને રહાણેને તક આપવાની જરૂર હતી: ગાંગુલી

નવી દિલ્હી:ભારતીય પંસદગીકારોએ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટેની ટ્વેન્ટી-૨૦ અને વન ડે ટીમોમાં મુંબઈના ક્લાસિક બેટ્સમેન રહાણેને તક ન આપતાં ક્રિકેટ વર્તુળોમાં ભારે આશ્ચર્ય સાથે આંચકાની લાગણી અનુભવાઈ હતી. ભૂતપૂર્વ કેપ્ટન અને કોમેન્ટેટર સૌરવ ગાંગુલીએ આ નિર્ણય બદલ પસંદગીકારોની ઝાટકણી કાઢતાં કહ્યું કે,પસંદગીકારોએ રહાણેને તેના બહોળા અનુભવને ધ્યાનમાં રાખીને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટેની મર્યાદિત ઓવરોની ટીમમાં સ્થાન આપવાની જરૃર હતી. ગાંગુલીએ એમ પણ કહ્યું હતુ કે, પસંદગીકારોએ રાયડુના સ્થાને રહાણેને તક આપવાની જરુર હતી. આઇપીએલમાં શાનદાર દેખાવ કરી રહેલા ચેન્નાઈના બેટ્સમેન અંબાતી રાયુડને પસંદગીકારોએ સીધો જ વન ડે ટીમમાં પ્રવેશ આપ્યો હતો. જોકે રહાણેને નજરઅંદાજ કરવામાં આવ્યો હતો. ગાંગુલી માને છે કે, રહાણે જેવા અનુભવી બેટ્સમેનને પડતો મુકવો એ પસંદગીકારોની ગંભીર ભૂલ છે. ખાસ કરીને ઈંગ્લેન્ડના વાતાવરણમાં જ્યાં પીચ અને પરિસ્થિતિ અહીના કરતાં તદ્દન જુદી જ હોય છે, ત્યાં આઇપીએલના સ્ટાર્સ નહિ પણ અનુભવી ખેલાડીઓ વધુ સફળતા મેળવતા હોય છે. વિદેશની ભૂમિ પર ભારતને ઐતિહાસિક વિજય અપાવનારા કેપ્ટન ગાંગુલીએ આ આધાર પર માત્ર છ ટેસ્ટ રમેલા અને ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર બની ગયેલા એમએસકે પ્રસાદની સમિતિના નિર્ણયની ટીકા કરી હતી.
 

(5:00 pm IST)