Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડે ખેલાડીઓની સેલેરીમાં ૨પથી ૩૦ ટકાનો વધારો કર્યો, તેમ છતાં પણ પગારની બાબતમાં ભારતીય ક્રિકેટરો કરતા ઘણા પાછળ

ઇસ્‍લામાબાદઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ખેલાડીઓના નવા કોન્ટ્રાક્ટ લિસ્ટની જાહેરાત કરી દીધી છે. નવા કોન્ટ્રાક્ટમાં 5 કેટેગરી છે અને તેમાં 33 ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. કેટેગરી-એ ના ખેલાડીઓને દર મહીને 4.89 લાખ રૂપિયા (INR) સેલેરી મળશે. આ કેટેગરીમાં સુકાની સરફરાઝ અહમદ, અઝહર અલી, બાબર આઝમ, શોએબ મલિક, યાસિર શાહ અને મોહમ્મદ આમિર સામેલ છે.

કેટેગરી- બી માં સામેલ ખેલાડીઓને 3.07 લાખ રૂપિયા(INR) દરે મહિને વેતન મળશે. આ કેટેગરીમાં ફખર ઝમાન, ફહીમ અશરફ, શાદાબ ખાન, અસદ શફીક, મોહમ્મદ હફિઝ અને હસન અલી છે.
કેટેગરી-સી માં પાકિસ્તાને 9 ખેલાડીનો સમાવેશ કર્યો છે. જેમને દર મહિને 2.09 લાખ રૂપિયા(INR)સેલેરી મળશે. આ કેટેગરીમાં વહાબ રિયાઝ, શાન મસુદ, હરેસ સોહેલ, ઇમામ ઉલ હક, મોહમ્મદ નવાઝ, ઉસ્માન શેનવારી, ઇમાદ વસીમ, જુનૈદ ખાન, મોહમ્મદ અબ્બાસ છે.
કેટેગરી-ડી માં 5 પાકિસ્તાની ખેલાડી સામેલ છે, જેમને મહિને 1.06 લાખ રૂપિયા(INR)સેલેરી મળશે. રુમાન રઇસ, આસિફ અલી, ઉસ્માન સલાહુ્દિન, હુસૈન તલાત અને રાહત અલી આ કેટેગરીમાં છે.

કેટેગરી-ઇ માં 7 ખેલાડી સામેલ છે. બિલાલ આસિફ, સાદ અલી, મીર હમ્જા, ઉમેદ આસિફ, મોહમ્મદ રિઝવાન, સાહિબજાદા ફરહાન, શાહીન શાહ આફ્રિદી આ કેટેગરીમાં છે. જેમને દર મહીને 55 હજાર રૂપિયા (INR) મળશે.
ભારતીય ખેલાડીઓ કરતા ઘણી ઓછી સેલેરી
ભલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ખેલાડીઓની સેલેરીમાં 25થી 30 ટકાનો વધારો કર્યો હોય પણ તે ભારતીય ખેલાડીઓ કરતા ઘણા પાછળ છે. ટીમ ઇન્ડિયાના A+ કેટેગરીના ખેલાડીઓને વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે. જ્યારે A કેટેગરીના ખેલાડીઓને 5 કરોડ રૂપિયા વાર્ષિક મળે છે. ભારતીય ખેલાડીઓના મુકાબલે પાકિસ્તાનના ખેલાડીઓની સેલેરી સાલ મામુલી છે.

(6:46 pm IST)