Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

પાંચ વર્ષમાં વિદેશની ધરતી પર ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન સુધર્યુ

આવતીકાલથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝનો પ્રારંભ : ૨૦૧૩થી વિદેશમાં ૩૨ ટેસ્ટ રમ્યા, ૧૦ જીત્યા, ૧૪ હાર્યા, ૩ ડ્રો : વિરાટ સેના સજ્જ

નવી દિલ્હી : ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ૬ ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. ભારત-ઓસ્ટ્રેલિયા ૧૯૪૭માં ટેસ્ટ સિરીઝ રમી રહ્યાં છે પરંતુ ટીમ ઇન્ડિયા આજ સુધી કાંગારૂઓ વિરૂદ્ઘ તેના ઘરમાં ટેસ્ટ શ્રેણી જીતી શકયુ નથી. જોકે, ગત પાંચ વર્ષમાં ભારતીય ટીમનું વિદેશમાં પ્રદર્શન વિશ્વની કોઇ પણ ટીમના મુકાબલે સારૂ રહ્યું છે. ભારતે ૧ જાન્યુઆરી, ૨૦૧૩થી અત્યાર સુધી વિદેશમાં ૩૨ ટેસ્ટ રમી છે. જેમાંથી તેને ૧૦ જીતી છે અને ૧૪માં હારનો સામનો કરવો પડ્યો છે. જયારે ઓસ્ટ્રેલિયાએ ગત પાંચ વર્ષમાં વિદેશમાં ૩૪ ટેસ્ટ રમી છે. જેમાંથી તે ૧૧ જીત્યુ છે જયારે ૨૦માં હારનો સામનો કરવો પડ્યો છે અને ત્રણ ટેસ્ટ ડ્રો રહી છે.

ગત પાંચ વર્ષમાં બન્ને ટીમો વચ્ચે ૧૨ ટેસ્ટ રમાઇ છે. જેમાંથી ભારતે ૬ જીતી છે જયારે ૩માં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ગત પાંચ વર્ષમાં ભારતે ઓસ્ટ્રેલિયામાં ચાર ટેસ્ટ રમી છે પરંતુ એક પણ જીતવામાં સફળ થઇ શકયુ નથી. જયારે ૨માં તેને હારનો સામનો કરવો પડ્યો છે.

ભારતે ઓસ્ટ્રેલિયામાં પોતાની અંતિમ ટેસ્ટ ૬થી૧૦ જાન્યુઆરી ૨૦૧૫ વચ્ચે સિડનીમાં રમી હતી. આ મુકાબલો ડ્રો રહ્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ અને ભારત માટે કેપ્ટન વિરાટ કોહલી અને લોકેશ રાહુલે સદી ફટકારી હતી.

ઘરેલુ મેદાન પર મેચ જીતવાની વાત કરીએ તો ટીમ ઇન્ડિયા ટોપ પર છે. ગત પાંચ વર્ષમાં તેને ઘરેલુ મેદાન પર ૯૬ ટકા મેચ જીતી છે. ભારતે એક જાન્યુઆરી ૨૦૧૩દ્મક અત્યાર સુધી ૨૯ ટેસ્ટ રમી છે જેમાં તેને ૨૩ જીતી છે જયારે એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં પૂણેમાં રમાયેલી ટેસ્ટમાં તેને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું.

ઓસ્ટ્રેલિયાએ ગત પાંચ વર્ષ દરમિયાન ઘરેલુ મેદાન પર ૯૦ ટકા મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયાએ એક જાન્યુઆરી ૨૦૧૩થી અત્યાર સુધી ૨૭ ટેસ્ટ રમી છે. જેમાંથી ૨૦ જીતી છે અને ૨ હારી છે. ઓસ્ટ્રેલિયાએ નવેમ્બર ૨૦૧૬માં પર્થ અને હોબાર્ટમાં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ઘ સતત ૨ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પાંચ ટેસ્ટ ડ્રો રહી છે.

(3:28 pm IST)