Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

આયર્લેન્ડના ફાસ્ટ બોલર જોશુઆ લિટલે હેટ્રિક લીધી

ન્યૂઝીલેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે મહત્વપૂર્ણ મેચ : એવું લાગી રહ્યું હતું કે ન્યૂઝીલેન્ડ ૨૨૦થી વધુ રન બનાવશે, પરંતુ જોશુઆ લિટલે તેઓની આશા પર પાણી ફેરવી દીધું

એડિલેડ, તા.૪ : ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ૮મા ટી૨૦ વર્લ્ડ કપની ૩૭મી મેચ એડિલેડના મેદાન પર રમાઈ રહી છે જ્યાં ન્યૂઝીલેન્ડની ટીમ કરો યા મરો ટાઈપની મેચમાં આયર્લેન્ડનો સામનો કરવા આવી છે.

આયર્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને નિર્ધારિત ૨૦ ઓવરમાં ૬ વિકેટ લઈને કિવી ટીમને ૧૮૫ રન પર જ અટકાવી દીધી હતી. કિવીઝ ટીમ માટે આ મેચમાં કેપ્ટન કેન વિલિયમસન ફોર્મમાં પરત ફરતા તેણે ૩૫ બોલમાં ૫ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૬૧ રન બનાવ્યા હતા.

આયર્લેન્ડ માટે ફાસ્ટ બોલર જોશુઆ લિટલે ૧૯મી ઓવરમાં પોતાની ટીમને વાપસી કરાવતા હેટ્રિક લીધી હતી. ફિન એલન (૩૨) અને ડેરીલ મિશેલ (૩૧)એ પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. એક સમયે કિવી ટીમ એવી રીતે બેટિંગ કરી રહી હતી કે એવું લાગી રહ્યું હતું કે ન્યૂઝીલેન્ડની ટીમ ૨૨૦થી વધુ રન બનાવશે, પરંતુ જોશુઆ લિટલે તેઓની આશા પર પાણી ફેરવી દીધું હતું.

જોશુઆ લિટલે પહેલા કેન વિલિયમસનને ડેલનીના હાથે કેચ આઉટ કર્યા પછી તેના પછીના જ બોલ પર નીશમને એલબીડબલ્યુઆઉટ કર્યો. મિશેલ સેન્ટનર પણ આગલા બોલ પર એલબીડબલ્યુથઇ પાછો ફર્યો હતો, જેના કારણે જોશુઆ લિટલ આ વર્લ્ડ કપમાં હેટ્રિક લેનારો બીજો બોલર બન્યો. જોશુઆ લિટલ પહેલા યુએઈના ફાસ્ટ બોલર કાર્તિક મયપ્પન જે ભારતીય મૂળનો બોલર છે તેણે પણ વર્લ્ડકપમાં હેટ્રિક લીધી  હતી.

આજે તો જોશુઆ લિટલે પોતાની બોલિંગના દમ પર રેકોર્ડ્સની ધમાલ મચાવી છે આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં હેટ્રિક લેનારો તે છઠ્ઠો બોલર બન્યો છે અને ટી૨૦ વર્લ્ડ કપમાં આયર્લેન્ડ માટે હેટ્રિક લેનારો પ્રથમ બોલર બન્યો છે, જ્યારે  આટલું જ નહીં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ 'િ૨૦ વિકેટ ઝડપનાર બોલરનો રેકોર્ડ પણ જોશુઆ લિટલના નામે થઈ ગયો છે.

(7:06 pm IST)