Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

ભારત-એની ટીમે ઈંગ્લેન્ડ લાયન્સને ૫ વિકેટથી હરાવી શ્રેણી જીતી

નવી દિલ્હી:સીનીયર ટીમના પ્રવાસની શરુઆત પહેલા ભારતીય જુનિયર ટીમે ઈંગ્લેન્ડમાં ધમાલ મચાવી દીધી છે. ત્રિકોણીય ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઈનલમાં શ્રેયસ અય્યરની કેપ્ટનશીપવાળી ભારત-એની ટીમે ઈંગ્લેન્ડ લાયન્સને ૫ વિકેટથી હરાવી શ્રેણી જીતી લીધી છે. ઈંગ્લેન્ડની ટીમે પહેલા બેટિંગ કરતા ૯ વિકેટે ૨૬૪ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારત-એની ટીમે ૪૮.૨ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી ૨૬૭ રન બનાવી જીત મેળવી લીધી. ૨૬૨ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલ ભારત-એની ટીમની શરુઆત ખરાબ રહી હતી.

ઓપનર પૃથ્વી શો માત્ર ૧૫ રન બનાવી ફિશરની બોલિંગમાં આઉટ થયો હતો. જોકે ત્યારબાદ શાનદાર ફોર્મમાં રહેલ મયંક અગ્રવાલ અને શુભમન ગિલે મોરચો સંભાળ્યો. જોકે તેઓ પણ કંઈ ખાસ કરી શક્યા નહીં અને આ ભાગીદારીને ડાવસને તોડી. તેણે શુભમન ગિલને ૨૦ રનના સ્કોરે આઉટ કર્યો. જ્યારે ત્યારબાદ મયંક પણ આઉટ થઈ ગયો. તેણે ૪૧ બોલમાં ૭ ચોગ્ગાની મદદથી ૪૦ રન બનાવ્યા. ત્યારબાદ કેપ્ટન શ્રેયસ અય્યરે ૪૪ રનની શાનદાર ઈનિંગ રમી. તેમજ હનુમા વિહારી (૩૭), ઋષભ પંત (૬૪ અણનમ) અને કૃણાલ પંડયા (૩૪ અણનમ)એ જોરદાર બેટિંગ કરતા ભારત-એને જીત અપાવી. ઈંગ્લેન્ડ ટીમ માટે ડાવસને સૌથી વધુ ૨ વિકેટ ઝડપી, જ્યારે ફિશર અને મુલ્લાએ ૧-૧ વિકેટ ઝડપી. આ પહેલા પ્રથમ બેટિંગ કરવા ઉતરેલ ઈંગ્લેન્ડ લાયન્સ તરફથી સૈમ હૈને ૧૦૮ રનની શાનદાર ઈનિંગ રમી હતી. જ્યારે લિઆમ લિવિંગસ્ટોને ૮૩ રનની ઈનિંગ રમી હતી. જોકે ત્યારબાદ કોઈ બેટ્સમેન વધુ સમય સુધી ક્રિસ પર ટકી શક્યા નહીં અને ટીમ ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૬૪ રન બનાવી શકી.

(5:31 pm IST)