Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટમાં ભારતનો 60 રને પરાજય: ઈંગ્લેન્ડએ પાંચ ટેસ્ટ મેચની શ્રેણી 3-1થી જીતી લીધી

ભારતીય ટીમ 184 રનમાં ઓલઆઉટ: મોઇન અલીએ સૌથી વધુ ચાર વિકેટ ઝડપી

સાઉથમ્પ્ટનઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની રમાયેલી ચોથી મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 60 હરાવીને શ્રેણી 3-1થી જીતી લીધી છે  245 રનનો લક્ષ્ય પાર પાડવા ઉતરેલી ભારતીય ટીમ 184 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ માટે મોઇન અલીએ સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય સ્ટોક્સ અને એન્ડરસનને બે-બે તથા કરન અને બ્રોડને એક-એક વિકેટ મળી હતી

  ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 246 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ પૂજારાની સદીની મદદથી 273 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. ભારતને પ્રથમ દાવના આધારે 27 રનની લીડ મળી હતી બીજા દાવમાં ઈંગ્લેન્ડે 271 રન બનાવ્યા અને ભારતને જીતવા માટે 245 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 

  ભારતને પ્રથમ ઝટકો સ્ટુઅર્ડ બ્રોન્ડે આપ્યો હતો. તેણે રાહુલને 0 રને બોલ્ડ કર્યો હતો. બ્રોડ બાદ એન્ડરસને પૂજારા (5)ને એલબીડબલ્યૂ આઉટ કરીને ભારતને બીજો ઝટકો આપ્યો હતો. પૂજારાએ ડીઆરએસનો ઉપયોગ કર્યો પરંતુ નિર્ણય તેની વિરુદ્ધ ગયો હતો. ત્યારબાદ ધવનને પણ એન્ડરસને સ્લિપમાં સ્ટોક્સના હાથમાં ઝીલાવીને ભારતને ત્રીજો ઝટકો આપ્યો. ધવને 17 રન બનાવ્યા હતા. 

  કેપ્ટન વિરાટ કોહલીને અમ્પાયર જોએલ વિલ્સનની સંભવિત ભૂલનું જીવનદાન મળ્યું હતું. ત્યારબાદ કેપ્ટન કોહલી અને રહાણે વચ્ચે ચોથી વિકેટ માટે 101 રનની ભાગીદારી થઈ હતી. ત્યારબાદ મોઇન અલીએ કોહલીને આઉટ કરીને ભારતને પરાજય તરફ ધકેલી દીધું હતું. કોહલી 58 રન બનાવીને આઉટ થતા ભારતની જીતની આશા પર પાણી ફરી વળ્યું હતું. હાર્દિક પંડ્યા (0)ને સ્ટોક્સે આઉટ કરીને ઈંગ્લેન્ડને પાંચમી સફળતા અપાવી હતી. રિષભ પંતે પણ ટી-20ની જેમ આક્રમક બેટિંગ કરતા બે ફોર અને સિક્સ ફટકારી હતી. પરંતુ મોઇન અલીની જાળમાં ફસાઇ ગયો હતો. સિક્સ મારવાના પ્રયાસમાં કુકને કેચ આપી બેઠો હતો. આ દરમિયાન રહાણેએ પોતાની અર્ધસદી પૂરી કરી હતી. ભારતનો સ્કોર 153 રન હતો ત્યારે મોઇન અલીએ રહાણેને એલબી આઉટ કરીને ભારતનો પરાજય નિશ્ચિત કરી દીધો હતો. 

 

(9:31 am IST)