Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

રાજકોટ ટેસ્ટમાં અઝહરૂદ્દીનને પાછળ મૂકી શકે છે કોહલી

વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડીઝ સામે ૪ ઓકટોબરથી શરૂ થનારી ક્રિકેટ-સિરીઝમાં ભારતનું નેતૃત્વ કરશે. બન્ને ટીમ વચ્ચે બે ટેસ્ટ-મેચ, પાંચ વન-ડે અને ૩ ટી-૨૦ મેચ રમાશે. ૧૫ સભ્યોની ભારતીય ટીમનું નેતૃત્વ વિરાટ કરશે. કોહલીને એશિયા કપ દરમ્યાન આરામ આપવામાં આવ્યો હતો. દરમ્યાન ૨૯ વર્ષનો વિરાટ ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદીનને પછાડી શકે છે. અઝહરૂદ્દીને કેપ્ટન તરીકે વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટમાં રેકોર્ડ પ૩૯ રન બનાવ્યા હતા. વિરાટ એનાથી માત્ર ૩૭ રન દૂર છે.

વિરાટે અત્યારે વેસ્ટ ઇન્ડીઝ સામે ૫૦૨ રન બનાવ્યા છે. વિરાટે આ પહેલાં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને (૪૭૬) પછાડ્યો હતો. ધોનીએ વર્ષ ૨૦૧૪માં ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્ત્િ। લીધી હતી. વિરાટ અત્યાર સુધી વેસ્ટ ઇન્ડીઝ સામે ૧૦ ટેસ્ટ-મેચ રમ્યો છે જેમાં તેની એવરેજ ૩૮.૬૧ની છે. તે વેસ્ટ ઇન્ડીઝ સામે ડબલ સેન્જરી પણ ફટકારી ચૂકયો છે. વેસ્ટ ઇન્ડીઝ સામે રન બનાવવાના મામલે સુનીલ ગાવસકર ટોચ પર છે જેણે ૨૭૪૬ રન બનાવ્યા છે. રાહુલ દ્રવિડે ૧૯૭૮ રન અને વીવીએસ લક્ષ્મણે ૧૭૧૫ રન બનાવ્યા છે.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે કુલ ૯૪ ટેસ્ટ રમાઈ છે જેમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ ૩૦ જીતી છે અને ૨૮ હારી છે, ૪૬ મેચ ડ્રો રહી છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પહેલી ટેસ્ટ-મેચ ૪ ઓકટોબરથી રાજકોટમાં રમાશે. બીજી ટેસ્ટ ૧૨ ઓકટોબરથી હૈદરાબાદમાં રમાશે. પાંચ મેચોની વન-ડે સિરીઝ ૨૧ ઓકટોબરથી શરૂ થશે.

(3:32 pm IST)