Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

પાકિસ્‍તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીને પાછળ રાખી દઇને શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ ટી-૨૦ મેચમાં નવો ઇતિહાસ રચી દીધો

નવી દિલ્હીઃ શ્રીલંકા ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ ટી20 મેચમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. આ ઉંમરે પણ મલિંગા ઘાતક બોલિંગ કરી રહ્યો છે અને તેણે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીને પાછળ છોડીને એક નવી સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે.

શાહિદ આફ્રિદીને પાછળ છોડી મલિંગાએ રચ્યો ઈતિહાસ

શ્રીલંકન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ ટી20 મુકાબલામાં કમાલ કરી દીધો હતો. તેણે આ મેચને પોતાના પ્રદર્શનથી ઐતિહાસિક બનાવી દીધી હતી. આ મેચમાં તે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે. ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીના નામ પર હતો. આફ્રિદીએ પોતાના ટી20 કરિયરમાં 99 મેચોમાં કુલ 98 વિકેટ ઝડપી હતી. મલિંગાએ આ મેચમાં 99મી વિકેટ ઝડપીને આફ્રિદીને પાછળ છોડી દીધો છે. તેણે 74 મેચોમાં આ વિકેટ ઝડપી છે. ટી20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપવાના મામલામાં ત્રીજા સ્થાન પર શાકિબ અલ હસન છે. શાકિબે અત્યાર સુધી 72 મેચોમાં 88 વિકેટ ઝડપી છે. ચોથા સ્થાને 60 મેચોમાં 85 વિકેટ ઝડપનાર ઉમર ગુલ છે. પાંચમાં નંબર પર સઈદ અજમલ છે, જેણે 64 મેચોમાં 85 વિકેટ ઝડપી હતી.

ભારત તરફથી ટી20મા સૌથી વધુ વિકેટ અશ્વિનના નામે

ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર આર. અશ્વિન છે, જેણે 46 મેચોમાં 52 વિકેટ ઝડપી છે. બીજા નંબર પર બુમરાહ છે. તેના નામે 42 મેચોમાં 51 વિકેટ છે. ત્રીજા સ્થાન પર 31 મેચોમાં 46 વિકેટ ઝડપીને યુજવેન્દ્ર ચહલ છે. ટી20 ક્રિકેટમાં હાલમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ટોપ ટેન બોલરમાં કોઈપણ ભારતીય નથી.

(4:51 pm IST)