Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

ઇંગ્લેન્ડનો ઝડપી બોલર જેમ્સ એન્ડરસન ભારત સામેના ટેસ્ટ મેચમાં સચિન તેંડુલકર અને અનિલ કુંબલેનો રેકોર્ડ તોડે તેવી શકયતા

લોર્ડ્સ તા. ૨ : ઈંગ્લેન્ડના દિગ્ગજ ઝડપી બોલર જેમ્સ એન્ડરસન ન્યૂઝીલેન્ડ અને પછી ભારત સામે થનારી ટેસ્ટ સિરીઝમાં અનેક રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. 39 વર્ષનો એન્ડરસન 160 ટેસ્ટ મેચમાં 614 વિકેટ ઝડપી ચૂક્યો છે. તે ક્રિકેટ ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર છે. એન્ડરસનના નિશાના પર મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને દિગ્ગજ બોલર અનિલ કુંબલેનો રેકોર્ડ છે. એન્ડરસને દેશમાં 89 ટેસ્ટ મેચ રમી છે. અને ન્યૂઝીલેન્ડ સામે બે ટેસ્ટ અને ભારત સામે થનારી પાંચ ટેસ્ટ મેચની સિરીઝ પછી તે આંકડો 96 સુધી પહોંચી જશે. આ રીતે તે સચિનનો 94 ટેસ્ટ મેચનો રેકોર્ડ તોડી નાંખશે.

દેશમાં સૌથી વધારે ટેસ્ટ મેચ રમનારા ખેલાડીઓમાં સચિન તેંડુલકર પછી રિકી પોન્ટિંગ 92 ટેસ્ટ મેચ, જેમ્સ એન્ડરસન 89 ટેસ્ટ મેચ, ઈંગ્લેન્ડનો એલિસ્ટર કૂક અને ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ વો 89 મેચનો નંબર આવે છે. સચિન તેંડુલકરે 200 ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી 94 ટેસ્ટ મેચ ભારતમાં રમી છે.

એન્ડરસન આ દરમિયાન એલિસ્ટર કૂકના બે રેકોર્ડને પોતાના નામે કરી શકે છે. તેમાં ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધારે ટેસ્ટ મેત રમવાનો એલિસ્ટર કૂકનો 161 મેચનો રેકોર્ડ પણ છે. તે સૌથી વધારે ટેસ્ટ મેચ રમનારા ખેલાડીઓની યાદીમાં શિવનારાયણ ચંદ્રપોલ 164 ટેસ્ટ મેચ, રાહુલ દ્વવિડ 164 ટેસ્ટ મેચ અને જેક્સ કાલિસ 166 ટેસ્ટ મેચને પાછળ છોડી શકે છે.

એન્ડરસન આ દરમિયાન દેશમાં 400 ટેસ્ટ વિકેટ લેનારો દુનિયાનો બીજો બોલર બની શકે છે. તેનાથી તે 16 વિકેટ દૂર છે. તેણે અત્યાર સુધી 89 ટેસ્ટ મેચમાં 384 વિકેટ ઝડપી છે. શ્રીલંકાના મુથૈયા મુરલીધરને 79 મેચમાં 493 વિકેટ ઝડપી હતી. તો અનિલ કુંબલેએ 63 મેચમાં 350 વિકેટ અને સ્ટુઅર્ટ બ્રોડે 82 મેચમાં 334 વિકેટ ઝડપી છે. એન્ડરસન આગામી ટેસ્ટ મેચમાં 6 વિકેટ ઝડપશે એટલે તે કુંબલેથી આગળ નીકળી જશે. કુંબલેના નામે ટેસ્ટમાં 619 વિકેટ છે.

(5:52 pm IST)