Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

જુનાગઢમાં બાફેલા બટેટા સાથેનું ગરમ પાણીનું કૂકર પડતાં દાઝી જતાં બે વર્ષની બાળકીનું મોત

પોસ્ટ મોર્ટમ નહિ કરાવવાની પરિવારજનોએ જીદ પકડી તબિબ સાથે માથાકુટ કરતાં પોલીસ બોલાવવી પડીઃ જુનાગઢ પોલીસને કાર્યવાહી કરવા માટે આવવા જાણ કરાઇ

રાજકોટ તા. ૩૦: જુનાગઢમાં દોલતપરા વિસ્તારમાં બાપા સિતારામની મઢુલી પાસે રહેતાં સિપાહી પરિવારની બે વર્ષની માસુમ બાળકી બાફેલા બટેટાના ગરમ પાણીનું કૂકર માથે પડતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. માસુમ બાળકીનું પોસ્ટ મોર્ટમ નહિ કરાવવાની પરિવારજનોએ જીદ પકડી તબિબ અને સ્ટાફ સાથે ચડભડ કરતાં પોલીસ બોલાવવી પડી હતી.જાણવા મળ્યા મુજબ દોલતપરામાં રહેતાં આશીકભાઇ દાદાભાઇ સિપાહીની દિકરી આયત (ઉ.વ.૨) ૨૮/૬ના રોજ ઘરમાં રમતી હતી ત્યારે બટેટા બાફયા હોઇ એ કૂકરમાં ગરમ પાણી ભરેલુ હોઇ જે બાળકી આયત પર અકસ્માતે પડતાં તેણી દાઝી જતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ આજે સવારે તેણીનું મોત નિપજતાં નિયમ મુજબ બર્ન્સ વોર્ડના તબિબે પોલીસ ચોકીમાં જાણ કરી હતી અને એમએલસી કેસ જાહેર થતાં ચોકીના સ્ટાફે જુનાગઢ પોલીસમાં એન્ટ્રી નોંધાવી હતી.

તબિબે બાળકીના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવું પડે તેમ કહેતાં તેણીના સ્વજનોએ પોસ્ટ મોર્ટમ કરાવવાનો વિરોધ કરતાં બોલાચાલી થઇ હતી. એ પછી પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતાં મોબાઇલ આવી હતી. બાળકીના સ્વજનોને સમજાવવા હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા તેમજ પીસીઆરના સ્ટાફે ખુબ મહેનત કરી હતી. પરંતુ સ્વજનો ન સમજતાં અંતે જુનાગઢ પોલીસને ઇન્કવેસ્ટ પંચનામુ કરવા રાજકોટ આવવા માટે જાણ કરવામાં આવી હતી.

(11:47 am IST)