Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

કીડની અને પ્રોસ્ટેટના રોગ બ્રાહ્ય લક્ષણો વિના પણ ફેલાય છે, સમયસર તપાસ -સારવાર જરૂરી

કુંડળધામ સ્વામિનારાયણ મંદિર આયોજિત કેમ્પ પ્રસંગે ડો.મહેશ દેસાઇની સ્પષ્ટ વાત

બોટાદ જિલ્લાના કુંડળધામ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ તબીબી કેમ્પ પ્રસંગે શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી, ડો.મહેશ દેસાઇ અને અન્ય ડોકટરો, સંતો, દર્દીઓ હાજર રહેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ,તા. ૩૦: કુંડળધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા નડીયાદની મુળજીભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ પુરોલોજીકલ હોસ્પિટલના ઉપક્રમે યોજાયેલ કીડની અને પ્રોસ્ટેટ નિદાન કેમ્પ પ્રસંગે હોસ્પિટલના ડો.મહેશ દેસાઇએ કીડની પ્રોસ્ટેટના રોગના સમયસર નિદાન અને સારવાર પર ભાર મૂકયો હતો. આવા રોગ દેખીતા લક્ષણ વિના પણ શરીરને નુકશાન પહોંચાડી શકે છે.

યોજાયેલ આ કેમ્પમાં MPUHના ૧૪ જેટલા યુરોલોજીસ્ટ ડોકટરો તથા ૧૨ જેટલા નર્સિંગ સ્ટાફ દ્વારા સંતો તથા અલગ અલગ પ્રાંતના જરૂરિયાતમંદ લોકો માટે કિડની અને પ્રોસ્ટેટનું ચેકઅપ તથા જરૂરી ટેસ્ટ કરી સારવાર કરવામાં આવી હતી. તેમજ આ રોગો વિષે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.જેનો દેશ-વિદેશમાં વસતા હજારો લોકોએ યુ-ટ્યુબ દ્વારા લાઇવ લાભ લીધો હતો.

વર્ષ ૨૦૧૮ના સર્વેક્ષણ મુજબ વિશ્વના ટોપ-૧૦ યુરોલોજીસ્ટ ડોકટરોમાં જેની ગણના છે. તેવા મુળજીભાઇ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના નિષ્ણાંત ડો.મહેશ આર. દેસાઇએ જણાવ્યું હતુ કે આપણા શરીરમાં બીજા રોગો પોતાના લક્ષણ દાખવીને ચેતવા હોય છે. પણ કિડની અને પ્રોસ્ટેટના રોગોના બ્રાહ્ય લક્ષણો ઘણી વાર નથી જણાતા ને ગુપચુપ પોતાનું કામ કરતા રહીને આપણને નુકશાન પહોંચાડી શકે છે. એટલે સમયસર કિડની અને પ્રોસ્ટેટનું ચેકઅપ કરાવવું ખૂબ જરૂરી છે જેથી ભવિષ્યમાં વધુ ખરાબ પરિસ્થિતીથી બચી શકાય છે. તેમજ MPUHના મેડિકલ ડીરેકટર ડો.એ.કે.રસ્તોગીએ પણ આ બાબતે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

(11:37 am IST)