Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

વિરનગરમાં ૭૦ વર્ષના શંકરભાઇ વેકરીયાની હત્યા : સ્ત્રીપાત્ર કારણભૂત ?

વાડીએ એકલા રહેતા પટેલ વૃધ્ધએ મહિલા ઉપર નજર બગાડતા બંને પગ બાંધીને મોઢા ઉપર ડુમો આપીને મોતને ઘાટી ઉતાર્યા : આરોપીની ધરપકડ

રાજકોટ : વિરનગરમાં વાડીએ એકલા રહેતા ૭૦ વર્ષના લેઉવા પટેલ પરિવારના શંકરભાઇ પોપટભાઇ વેકરીયાની હત્યા થતાં સનસનાટી મચી ગઇ છે. તસ્વીરમાં મૃતક વૃધ્ધનો મૃતદેહ નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : વિજય વસાણી, આટકોટ)

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૩૦ : જસદણના વિરનગર ગામે ગઇકાલે એકલા વાડીએ રહેતા પટેલ આધેડની હત્યા થતા આ પંથકમાં ભારે ચર્ચા જાગી છે. જો કે પોલિસ આ હત્યાનો ભેદ સાંજ સુધીમાં ઉકેલી નાંખશે અને હત્યા પાછળ સ્ત્રી પાત્ર હોવાની ચર્ચા ચાલી રહી છે અને પોલિસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.

આ અંગે આટકોટ પોલિસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વિરનગરથી કનેસરા રોડ ઉપર આવેલ વાડીએ એકલા જ રહેતા શંકરભાઇ પોપટભાઇ વેકરીયા (લેઉવા પટેલ) (ઉ.વ.૭૦)ની ગઇકાલે તેમની વાડીના ઝુંપડા જેવા મકાનમાંથી લાશ મળી આવી હતી.

પ્રથમ દ્રષ્ટિએ જ હત્યા હોવાનું દેખાતા પ્રથમ જસદણ સરકારી દવાખાને પેનલ ડોકટર્સ દ્વારા પી.એમ. કરવામાં આવ્યું હતું. બાદ યોગ્ય નિષ્કર્ષ ન આવતા રાજકોટ ફોરેન્સી પી.એમ. કરવામાં આવ્યું હતું. જ્યાં મરણ જનાર શંકરભાઇને મોઢે ડુમો દઇ હત્યા નિપજાવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આ અંગે મરણ જનાર શંકરભાઇનાભાઇ ગીરધરભાઇ પોપટભાઇ (ઉં.વ. ૫૫)નાએ ફરીયાદમાં અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો છે.

જાણવા મળ્યા મુજબ મરણ જનાર શંકરભાઇ અપરણીત હતા અને વર્ષોથી પોતાની વાડીએ ઝુંપડા જેવા મકાનમાં એકલા રહી બકરા ચરાવી ગુજરાન ચલાવતા હતા.

તેઓના ભાગની જમીનમાં તેઓ વર્ષોથી ખેતી ન હોતા કરતા પરંતુ આ વર્ષે થોડી જમીનને ખેડવાણ કરી હતી. જેમાં મોટા દડવાના સંજય વેરસી દેવીપૂજકને ભાગમાં જમીન વાવવા આપી હતી.

સંજય તેની પત્નિ અને તેની માતા વિરનગર વાડીએ રહેવા હજુ થોડા દિવસ પહેલા જ આવ્યા હતો.

વિશ્વાસ પાત્ર સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ મરણ જનાર શંકરભાઇએ સંજયના પરિવારની વાડીએ રહેતી મહિલા ઉપર નજર બગાડતા શંકરભાઇના બંને પગ પહેલા બાંધી મોઢા ઉપર ડુમો આપી હત્યા નિપજાવી હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલિસે આરોપીને હાથ ધરી લીધો છે જરૂરી તપાસ કરી સંભવિત બપોર સુધીમાં આ હત્યા કયા કારણોસર અને કેવી રીતે કરી તેની વિગતવાર માહિતી આપવામાં આવશે. હાલ આ હત્યાએ આ પંથકમાં ભારે ચર્ચા જણાવી છે.

આ બનાવની વધુ તપાસ આટકોટ આ પી.એસ.આઇ. કે.પી.મહેતા ચલાવી રહ્યા છે. જો કે તેમનું આ હત્યા અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હજુ તપાસ ચાલુ છે.

ગઇકાલે તપાસમાં રૂરલ એલ.સી.બી. સ્ટાફ પણ જોડાયો હતો.

જો કે આ બનાવનો ભેદ પોલીસે ૨૪ કલાકમાં જ ઉકેલી નાંખ્યો છે અને બપોર સુધીમાં પોલિસ આ અંગે વિગતવાર માહિતી આપશે.

સંજયે કરેલી ભૂલના કારણે ઝડપાયોઃ જો મૃતદેહને બાંધ્યો ન હોત તો કુદરતી મોતમાં ખપી જાત

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૩૦ :. વિરનગરના શંકરભાઈ પોપટભાઈ વેકરીયાની હત્યા કર્યા બાદ આરોપી સંજય દેવીપૂજકે મૃતદેહને પલંગ ઉપરથી નીચે ઉતારી લઈને તેના પગ બાંધી દીધા હતા અને ઓરડીમાં સામાન પણ વેરવિખેર કરી નાખ્યો હતો જેથી આ હત્યાનો બનાવ લૂંટમાં ફેરવાય જાય.

પરંતુ પોલીસે જુદી જુદી દિશામાં તપાસ કરીને મોટા દડવામા રહેતો અને શંકરભાઈ વેકરીયાની વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા સંજય દેવીપૂજક ઉપર શંકાની સોય તણાઈ હતી અને તેમની આકરી પૂછપરછ કરતા તે ભાંગી પડયો હતો અને પત્નિ સાથે અણછાજીત માંગણી કરતા વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યાની કબૂલાત આપી હતી.

આ બનાવ અંગે વિગતો જાહેર કરતા આજે બપોરે આટકોટ પોલીસ સ્ટેશન ખાતે ગોંડલના ડીવાયએસપી, રાજકોટ એલસીબી ટીમ અને આટકોટ પોલીસ ટીમની ઉપસ્થિતિમા પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમા આ વિગતો જાહેર કરાય હતી.

આરોપી સંજય દેવીપૂજકની પત્નિ સપના પાસે વૃદ્ધે અઘટિત માંગણી કરી'તીઃ હાથ પણ પકડી લીધો હતો

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૩૦ :. જસદણ તાલુકાના વિરનગરમાં ૭૦ વર્ષના શંકરભાઈ વેકરીયાની હત્યામાં નવા ફણગા ફૂટયા છે. જેમાં આરોપી સંજય દેવીપૂજકની પત્નિ પાસે મૃતક શંકરભાઈ વારંવાર અઘટિત માંગણી કરતા આ મોત મળ્યુ હતું.

મૃતક શંકરભાઈ વેકરીયાએ આરોપી સંજયની પત્નિ સપના પાસે અઘટિત માંગણી કરી હતી તેમજ તેમનો હાથ પણ પકડી લીધો હતો. જે અંગે સપનાએ આરોપી પતિ સંજય દેવીપૂજકને જાણ કરી હતી જેથી સંજય ઉશ્કેરાયો હતો અને પોતાની ઓરડીમાં સુતેલા શંકરભાઈ વેકરીયાને મોતને ઘાટ ઉતારવા નિર્ણય કર્યો હતો.

સંજય દેવીપૂજકે પલંગમાં સુતેલા શંકરભાઈ વેકરીયાના મોઢે શાલથી ડૂમો દઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

(12:59 pm IST)