Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

રાજ્યના ઇતિહાસમાં એક અઠવાડિયામાં કલેકટરની બદલીનો પ્રથમ કિસ્સો ચર્ચામાં !!

કચ્છના કલેકટરની ગણતરીના દિવસોમાં બદલી પાછળ આવનારી ચૂંટણીનું રાજકીય સમીકરણ ? : એક દિવસ જ ખુરશીમાં બેઠેલા કચ્છના નવા કલેકટર સુજલ મયાત્રાનું બોર્ડ લાગે અને જુના કલેકટર પ્રવિણા ડી.કે. સામાન ઉપાડે તે પહેલાં ફરી જૂની જગ્યાએ જ!!

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩૦ : કચ્છના કલેકટર કોણ છે? નવા સુજલ મયાત્રા કે પછી જુના બદલી ગયેલા પ્રવિણા ડી.કે.? રાજય સરકારે ગઈકાલે સમગ્ર જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે કચ્છી માડુઓમા સતત આ જ ચર્ચા થતી રહી હતી. જોકે, રાજયમાં પણ એક જ અઠવાડિયા માટે કલેકટરની ફેરબદલી નો કિસ્સો ચર્ચામાં રહ્યો છે.

નવા કલેકટર સુજલ મયાત્રા હજી એક દિવસ કચ્છના કલેકટર તરીકે ખુરશીમાં બેઠા પછી ગાંધીનગર કલેકટર કોન્ફરન્સ માટે ગયા અને ભુજમાં તેમની ઓફિસ બહાર તેમના નામનું બોર્ડ લાગ્યું તે સાથે જ તે બોર્ડ ઉતારવું પડ્યું. એવું જ બદલી ગયેલા કલેકટર પ્રવિણા ડી.કે. ના કિસ્સામાં થયું. તેમની બદલી થયા બાદ હજી સામાન ઉપાડે ત્યાં જ ફરી જુની જગ્યાએ તેઓ પરત આવી ગયા. આમ,બન્ને બાજુ અરસપરસ થયેલી બદલી અને ફરી જુની જગ્યાએ જ ફેરબદલી ચર્ચાનું કેન્દ્ર બની છે.

કચ્છના રાજકીય અને અધિકારી વર્તુળોમાં ચર્ચાતી વાતો પ્રમાણે આવનારી વિધાનસભાની ચુંટણી પહેલાં અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપાય તે પૂર્વે વહીવટી નિયમોને ધ્યાનમાં લઈને આ ફેરબદલી કરાઈ છે. હવે કચ્છમાં પ્રવિણા ડી.કે. નો કલેકટર તરીકેનો ફરી નવો કાર્યકાળ શરૂ થયો છે. શાસક પક્ષ ભાજપના સ્થાનિક રાજકારણીઓ કે રાજકીય બાબતોમાં વિવાદમાં આવ્યા વગર કલેકટર તરીકે પ્રવિણા ડી.કે. કામગીરી કરતા હોઈ તેઓ બહુ ચર્ચામાં રહ્યા નથી.

જોકે, ભાજપ વર્તુળોમાં બે આપસી જૂથોનો ટકરાવ અને વર્ચસ્વ પણ કયાંક આ બદલી અને ફેરબદલી પાછળ જવાબદાર હોવાનું ચર્ચાય છે. પણ, ગણતરીના દિવસો માં જ કલેકટરની બદલી અને ફેરબદલી પાછળ આવનારી ચુંટણી હોવાના રાજકીય સમીકરણો વચ્ચે સરકાર સામે પણ ચર્ચા છે.

(11:43 am IST)