Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

જાફરાબાદના નાગેશ્રીમાં ૭મીથી શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

પૂ. મોરારીબાપુના હસ્‍તે દિપ પ્રાગટય : વ્‍યાસાસને યજ્ઞેશભાઇ ઓઝા

અમરેલી તા. ૩૦ : જાફરાબાદ નજીકના નાગેશ્રી ગામ ખાતે તા. ૭ મે થી તા. ૧૩ મે સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં પ્રથમ દિવસે સવારે ૧૦ વાગે પૂ.મોરારીબાપુ સનાતન ધર્મ જયોત પ્રજવલીત - દીપ પ્રાગટય કરશે. ભાગવત કથા દરમિયાન દરરોજ નામી અનામી સાધુ, સંતો અને મહંતોની પાવન ઉપસ્‍થિતી રહેનાર છે.

સંત પ્રેમદાસબાપુ ધુણાવાળાની જગ્‍યામાં આયોજીત આ કથાના આયોજક સ્‍વ. મામૈયાબાપુ સુમરાબાપુ વરૂ પરિવાર છે. કથાના વક્‍તા યજ્ઞેશભાઈ ઓઝા રાજુલાવાળા છે. વરૂ પરિવારના અગ્રણી અને કાઠી સમાજના ગુજરાત પ્રમુખ પ્રતાપભાઈ વરૂ (પૂર્વ ધારાસભ્‍ય)એ જણાવ્‍યું હતું કે, નાગેશ્રી ગામ ઉજળો ઇતિહાસ ધરાવે છે. ત્‍યારે કથામાં કાઠી કુળના પૂર્વજોની યશોગાથા, શૌર્ય, ખુમારી, ખાનદાની, દિલેરી અને ક્ષાત્રવટ યાદ કરી તેઓનું સ્‍મરણ અને વંદના કરવા સાથે કુળની લાજ, મર્યાદા, વિવેક સાથે જીવન કેમ જીવાય તેનું આજની પેઢીમાં સિંચન થાય તેવા ઉમદા હેતુ સાથે આ સપ્તાહનું આયોજન કરવામાં આવ્‍યું છે. આમ, આ કથાનો સામાજીક ઉદ્દેશ પણ રહેલો છે.

ભાગવત કથાનો સમય દરરોજ સવારે ૯થી ૧૨ અને બપોરે ૩થી ૬નો રહેશે. પ્રારંભે પોથીયાત્રા તા.૭ને મંગળવારે સવારે ૮.૩૦ કલાકે નીકળશે. કથામાં દરરોજ અલગ અલગ પ્રસંગો ભાવપૂર્ણ માહોલમાં ઉજવાશે જયારે કથામાં રૂક્ષમણી વિવાહમાં ભગવાન શ્‍યામની જાન જોડી વડથી ભાણેજ અશ્વિનભાઈ ખુમાણ અને અજયભાઈ ખુમાણ આવશે. કથામાં દરરોજ નામી, અનામી પૂ. સાધુ સંતો અને રાજકીય, સામાજીક આગેવાનોની ઉપસ્‍થિતી રહેશે. જયારે સંસ્‍કૃતિને ઉજાગર કરતા કસુંબલ ડાયરાઓ પણ યોજાશે.

(1:04 pm IST)