Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

પોરબંદરઃ હથીયારધારાના કેસમાં કોંગી આગેવાનના પુત્રનો નિર્દોષ છુટકારો

પોરબંદર, તા., ૩૦: પોરબંદરના પુર્વ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ સામતભાઇ ઓડેદરાના પુત્રને હથીયાર ધારાના કેસમાં નિર્દોષ ઠરાવી કોર્ટે છોડી મુકેલ છે.

પોરબંદરના પુર્વ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ સામતભાઇ ઓડેદરાના પુત્ર સંદીપ ઓડેદરા ઉપર એવા મતલબની ફરીયાદ બગવદર પોલીસ સ્ટેશનમાં લખાયેલ હતી કે અડવાણા ગ્રામ પંચાયતની ચુંટણી તા.૪-ર-ર૦૧૮ના હોય અને તે દિવસે પોતાના સગા મામા વનરાજભાઇ લાખણશીભાઇ ચુંટણી લડતા હોય તેથી મતદારો ઉપર પ્રભાવ પાડવા લાયસન્સ વાળુ હથીયાર લઇને મતદાન કેન્દ્રના ૧૦૦ મીટરના એરીયામાં ઉભા હોવાનું જણાવી હથીયાર ધારા અન્વયે કેસ કરેલો હતો. પરંતુ આ કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીના એડવોકેટ ભરતભાઇ લાખાણી  દ્વારા તમામ સાક્ષીઓની ઉલટ તપાસ કરેલી હતી અને રેકર્ડ ઉપર કોઇ ચુંટણી અધિકારી દ્વારા ફરીયાદ કરેલ ન હોય તેમજ પોલીસ દ્વારા તપાસના કામે કોઇ ચુંટણી અધિકારીનું નિવેદન લીધેલ ન હોય તેમજ આરોપી જયાં ઉભા હતા તે જગ્યા ૧૦૦ મીટરની અંદર છે કે બહાર છે તેની કોઇ માપણી થયેલ ન હોય તેમજ એક પણ સ્વતંત્ર સાહેદના નિવેદન ન હોય અને જે હથીયાર હતું તે લાયસન્સ વાળુ હથીયાર હોય અને જે સ્કુલ પાસે ઉભા હોવાનું જણાવેલ છે. તે જાહેર રોડ હોય અને ત્યાંથી અવર જવાર કરવાની કોઇ મનાઇ ન હોય અને લાયસન્સ જમા કરવાનું કોઇ જાહેરનામું ન હોય અને તે રીતે રેકર્ડ ઉપર ખરેખર કોઇ ગુન્હો બનતો ન હોવાનું અને રાજકીય કિન્નાખોરીથી સાવ ખોટી ફરીયાદ ઉભી કરેલ હોવાની હકીકત રેકર્ડ ઉપર સાબીત કરી દેતા અને તે સંબંધે વિગતવાર દલીલ કરતા ચીફ જયુડી. મેજી. શ્રી મનસુરી દ્વારા સંદીપ સામત ઓડેદરાને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી વતી પોરબંદરના એડવોકેટશ્રી દિપકભાઇ બી.લાખાણી, ભરતભાઇ બી.લાખાણી, હેમાંગ ડી.લાખાણી, અનિલ ડી. સુરાણી, નવઘણ જાડેજા, જીતેન સોનીગ્રા, જયેશ બારોટ રોકાયેલા હતા.(૪.૩)

(3:59 pm IST)