Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

મોરબી પાલિકાકચેરીએ ધમધમાટ, સમિતિઓની રચના બાદ ચાર્જ સંભાળતા ચેરમેન: ઉત્સાહ વધારવા અગ્રણીઓ ઉપસ્થિત

મોરબીને એક વર્ષમાં ફરી પેરિસ બનાવશું : બાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઇ અવાડીયાનો કોલ

મોરબી નગરપાલિકામાં ભાજપની તોતિંગ બહુમતી બાદ ગઈકાલે સામાન્ય સભામાં વિવિધ કમિટીઓની રચના થતાની સાથે જ આજથી વિવિધ સમિતિના ચેરમેનોએ ચાર્જ સંભાળી લીધો છે. અને બાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઇ અવાડીયાએ ચાર્જ સંભાળતાની સાથે જ એક વર્ષમાં મોરબીને પેરિસ બનાવવાનો કોલ આપી ટૂંક સમયમાં જ રોડ, રસ્તા અને ગટરના પ્રશ્ન ઉકેલવા ખાતરી આપી હતી.
 મોરબી પાલિકામાં છેલ્લા પાંચ વર્ષમાં અનેક ચડાવ ઉતાર દરમિયાન શંભુમેળા જેવી સ્થિતિમાં હવે ભાજપનું શાસન આવતા પાલિકા ફરી ચહલ-પહલ યુક્ત બની છે. જેમાં ગઈકાલે વિવિધ 25 સમિતિઓની રચના બાદ આજે બાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઇ અવાડીયા અને ગેરેજ સમિતિના ચેરમેન ભાવિકભાઈ જારિયાએ વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો હતો.
  બાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઇ અવાડીયાએ ચાર્જ સંભાળતા જ મોરબીને એક વર્ષમાં ફરી પેરિશ બનવવા કોલ આપવાની સાથે રોડ, રસ્તા અને ભૂગર્ભ ગટરના પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવા ખાતરી આપી હતી. પાલિકામાં પદગ્રહણ સમયે શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મહામંત્રી રીશીપ કૈલા, ઉપપ્રમુખ નિર્મલ જારીયા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા અને ચીફ ઓફિસર ગિરીશ સરૈયા તેમજ વિવિધ સમિતિના ચેરમેન અને સદસ્યો હાજર રહ્યા હતા.

(3:06 pm IST)