Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ગોંડલમાં દે ધનાધન ૩ ઈંચઃ માણાવદરમાં ૧ ઈંચ

બામણાસા ઘેડ, જૂનાગઢ, ભેંસાણ, વંથલી, ધારી સહિતના વિસ્તારોમાં ઝાપટાથી પોણો ઈંચ વરસાદ વરસ્યો

ગોંડલઃ ગોંડલમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસતા ૩ ઈંચ જેવુ પાણી પડી ગયુ હતું. જેના કારણે નિચાણવાળા વિસ્તારોના લોકોને તકલીફ પડી હતી (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ, તા. ૨૯ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે ચોમાસાનો માહોલ જામતો જાય તેવુ વાતાવરણ આજે બપોરથી સર્જાયુ છે. આવા વાતાવરણ વચ્ચે આજે ગોંડલમાં ૩ ઈંચ વરસાદ ખાબકયો હતો.

આજે બપોરે ૩ વાગ્યાથી ગોંડલમાં કાળાડીબાંગ વાદળા સાથે મેઘાવી માહોલ જામ્યો હતો અને ધોધમાર વરસાદ શરૃ થયો હતો. ૪ વાગ્યા સુધીમાં ૩ ઈંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઈ ગયુ હતું. ગોંડલનો ઉમવાડા બ્રીજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જ્યારે લાલપુર વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ગોંડલ શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં સર્વત્ર પાણી પાણી થઈ ગયુ હતું.

ગોંડલ ઉપરાંત કોટડાસાંગાણી, જેતપુર, જામકંડોરણા અને લોધીકામાં ઝાપટાથી પોણો ઈંચ વરસાદ વરસ્યો છે.

બામણસા ઘેડ, કેશોદ સહિતના વિસ્તારોમાં પણ આજે બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને લગભગ દોઢેક ઈંચ વરસાદ પડતા વાવણી બાદ વાવેતરને ફાયદો થયો છે.

આજે જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ ઉપરાંત ભેંસાણ, વંથલીમા પણ ઝાપટાથી પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. માણાવદરમાં એક ઈંચ વરસાદ પડયો છે.

અમરેલી જિલ્લાના ધારીમાં પણ આજે બપોરે અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.

(4:40 pm IST)