Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

વઢવાણના ઉદ્યોગપતિના પુત્રને માર મારનાર ત્રણ આરોપી ઝડપાયા

વઢવાણ,તા.૨૯ : સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન માથાભારે શખ્સોનો ત્રાસ વધી રહ્યો છે અને ગુન્હેગારોને પોલીસનો પણ ડર ન હોય તેમ જિલ્લામાં લુંટ, હત્યા, ફાયરીંગ, ખંડણી, મારામારી સહિતના બનાવોએ માઝા મુકી છે ત્યારે થોડા દિવસો પહેલા જીનતાન ઉદ્યોગનગર વિસ્તારમાં પ્રતિષ્ઠિત અને જાણીતા ઉદ્યોગપતિના પુત્ર પર દિન-દહાડે ચાર જેટલાં શખ્સો દ્વારા હુમલો કરી ખંડણી માંગવાનો બનાવ બન્યો હતો.

ભોગ બનનારે બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. ત્યારે જિલ્લા પોલીસવડાની સુચનાથી તથા ઈન્ચાર્જ ડીવાયએસપી એ.બી.વાળંદના માર્ગદર્શન હેઠળ આરોપીઓને ઝડપી પાડવા સુચનાઓ આપવામાં આવી હતી. જેના ભાગરૂપે લીંબડી પીએસઆઈ એસ.એસ.વરૂ સહિતના સ્ટાફે બાતમીના આધારે પેટ્રોલીંગ હાથધર્યું હતું અને વાહનચેકીંગ દરમ્યાન ત્રણેય આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વઢવાણના ઉદ્યોગપતિ સ્વ.દિનકરભાઈના પુત્ર ગુંજનભાઈ શાહ મુળચંદ રોડ પર આવેલ જમીન ખાતે ચાલી રહેલ કંમ્પાઉન્ડ વોલની કામગીરી અંગે જઈ રહ્યાં હતાં તે અંગે ચાર જેટલાં શખ્સોએ કારમાં આવી ધોકા, પાઈપવડે કારને નુકશાન પહોંચાડયું હતું તેમજ ગુંજનભાઈને ગાળો આપી તમંચો કાઢી ધોકા, પાઈપવડે હુમલો કરી જમીન પડાવી લેવાંના બદલામાં અંદાજે રૂ.૨ કરોડની ખંડણી માંગી જાનથી મારી નાંખવાની ધમકી આપી ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે ભોગ બનનાર ઉદ્યોગપતિના પુત્રએ બી ડિવીઝન પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી જેને ધ્યાને લઈ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં જેમાં લીંબડી પીએસઆઈ એસ.એસ.વરૂ સહિતના સ્ટાફે બાતમીના આધારે પેટ્રોલીંગ દરમ્યાન લીંબડી હાઈવે પર સર્કલ પાસે વાહનચેકીંગ હાથધર્યુ હતું જેમાં આ ત્રણેય આરોપીઓ ઝડપાઈ જવા પામ્યા હતા.

(12:50 pm IST)