Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

૧ા માસના દિકરાને પગે લગાડે એ પહેલા આરટીઓના આસી. ઇન્સ્પેકટર નિલેષભાઇ પટેલને કાળ ભેટી ગયો

ત્રંબા પાસે ટ્રકે કાર સહિત ત્રણ વાહનોને ઉલાળ્યાની ઘટનામાં બહાર આવેલી કરૂણાંતિકા : અમદાવાદથી ગઇકાલે રાજકોટ આવ્યા અને પત્નિ, બે પુત્ર, ભાઇના પત્નિને લઇ ઢાંઢીયા માતાજીના દર્શને જતા'તાઃ છોકરાઓ માટે ભાગ લઇ ડેકીમાં મુકતા'તા ને કાળ ભેટ્યોઃ બીજા સભ્યોનો ચમત્કારીક બચાવ

રાજકોટ તા. ૨૯: નાના મવા સર્કલ પાસે શ્રીરાજ રેસિડેન્સીમાં રહેતાં વિનોદભાઇ કોઠારી (પટેલ) પરિવાર માટે રવિવારની સાંજ ગોઝારી સાબિત થઇ હતી. તેમના પુત્ર અમદાવાદ ખાતે આસીસ્ટન્ટ આરટીઓ તરીકે ફરજ બજાવતાં નિલેષભાઇ વિનોદભાઇ કોઠારી (ઉ.વ.૨૯)નું ત્રંબા નજીક અકસ્માતમાં મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બ્રેક ફેઇલ થતાં કે અન્ય કારણોસર એક ટ્રક બેકાબૂ થતાં રોડ સાઇડમાં ઉભેલી પોતાની બ્રેઝા કારની ડેકીમાં બાળકોનો નાસ્તો મુકી રહેલા નિલેષભાઇ ઠોકરે ચડતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. કરૂણતા એ છે કે તેમનો દિકરો પ્રિયાંક સવા માસનો થયો હોઇ તેને ઢાંઢીયા ગામે માતાજીએ પગે લગાડવાનો હોઇ તે માટે બધા ત્યાં જઇ રહ્યા હતાં. પરંતુ એ પહેલા રસ્તામાં નિલેષભાઇ માટે ગોઝારો ટ્રક કાળ બની ગયો હતો.

ટ્રક નં. જીજે૧૩એકસ-૭૦૦૦ના ચાલકે કાબૂ ગુમાવતાં બ્રેઝા કાર જીજે૧૮બીએફ-૯૩૦૬ તથા એકટીવા જીજે૦૩જેએલ-૪૯૫૭ ઠોકરે ચડી ગયા હતાં. અકસ્માત બાદ ચાલક ટ્રક મુકી ભાગ્યો હતો. અકસ્માતમાં પોતાની કારની ડેકીમાં નાસ્તો મુકી રહેલા આસી. આરટીઓ ઇન્સ્પેકટર નિલેષભાઇ વિનોદભાઇ કોઠારીને ગંભીર ઇજા થતાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમણે દમ તોડી દીધો હતો.

આજીડેમના એએસઆઇ વી. બી. સુખાનંદી અને કિરીટભાઇ રામાવતે મૃતકના ભાઇ કન્સ્ટ્ર્કશનનું કામ કરતાં હિરેનભાઇ વિનોદભાઇ કોઠારી (ઉ.૨૭)ની ફરિયાદ પરથી ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે. મૃત્યુ પામનાર નિલેષભાઇ બે ભાઇમાં મોટા હતાં અને અમદાવાદ ફરજ બજાવતાં હતાં. તેમને સંતાનમાં ૩ વર્ષનો પુત્ર મોૈય તથા સવા માસનો પુત્ર પ્રિયાંકા છે.

પ્રિયાંક સવા માસનો થતાં તેને ઢાંઢીયા ગામે માતાજીને પગે લગાડવાનો હોઇ રવિવારની રજામાં નિલેષભાઇ, તેમના પત્નિ  મીરાબેન, પુત્ર તથા ભાઇના પત્નિ સ્વેતાબેન   સહિતના બ્રેઝા કારમાં રાજકોટથી ઢાંઢીયા જવા નીકળ્યા હતાં. ત્રંબા પાસે કાર ઉભી રાખી બાળકો માટે નાસ્તો લીધા બાદ ડેકીમાં મુકી રહ્યા હતાં ત્યારે ઓચિંતો ટ્રક કાળ બનીને ત્રાટકયો હતો. બનાવથી કોઠારી-પટેલ પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. પીએસઆઇ જી. એન. વાઘેલા વધુ તપાસ કરે છે.

(12:32 pm IST)