Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ધ્રોલની મુંગરા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓને છાત્રાલયના ફુડબીલમાં રપ ટકા રાહત અપાશે

હાલની વિકટ સ્થિતિ વચ્ચે લેઉવા પટેલ સમાજના આગેવાનોનો પ્રેરણાદાયી નિર્ણય

ધ્રોલ તા.ર૭: આજે વૈશ્વિક કોરોના મહામારીએ સમગ્ર શિક્ષણ જગતની ગતિવીધી પર બ્રેક મારી દીધી છે અનેક શૈક્ષણીક સંસ્થાઓ હજુ સુધી ચાલુ થઇ શકેલ નથી. છતા કેટલીક સંસ્થાઓ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ફીની વસુલાત માટે દબાણ કરી રહી છે ત્યારે ધ્રોલ પંકથની શાળામાં અભ્યાસ કરતી બહેનો માટે લેઉવા પટેલ સમાજે પ્રેરણારૂપ નિર્ણય લીધો છે.

આ સામાજિક ઉતરદાયીત્વ ભાવના વ્યકત કરતી બાબત એવી છે કે ધ્રોલની શ્રીમતિ ડી.એચ.કે. મુંગરા કન્યા વિદ્યાલયમાં અસંખ્ય વિદ્યાર્થીનીઓ ગ્રામ્ય પંથકમાંથી આવીને અભ્યાસ કરે છે અને સંસ્થા સંચાલિત હોસ્ટેલ (છાત્રાલયમાંજ) વિદ્યાર્થીની રહેતી હોય છે.

મુંગરા કન્યા વિદ્યાલયમાં કાર્યરત છાત્રાલયમાં ચાલુ શૈક્ષણીક વર્ષથી પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીનીઓને ફુડ બીલમાં રપ ટકા રાહત આપવાનો ક્રાંતિકારી નિર્ણય લેઉવા પટેલ સમાજના આગેવાનોએ કરતા વાલીઓ તથા શાળા સંચાલકોએ આ નિર્ણયને આવકારેલ છે. આ નિર્ણય તાજેતરમાં લેવા પટેલ સમાજની મિટીંગમાં સર્વાનુમતે લેવાયાનું સંસ્થાના પ્રમુખ રાઘવજીભાઇ પટેલ, ઉપપ્રમુખ ડો.વિજયભાઇ સોજીત્રા તથા સંચાલક વિજયભાઇ મુંગરાની યાદીમાં જણાવેલ છે.

(10:33 am IST)