Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

મોરબીના ચરમરીયા દાદાના મંદિરે ભાવિકો દ્વારા નાગ પાંચમની ભાવભેર ઉજવણી

જન્માષ્ટમીના તહેવારોનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે ગઇકાલે શ્રાવણ વદ પાંચમ એટલે પવિત્ર નાગ પાંચમનો તહેવાર હતો. નાગ પાંચમે નાગ દેવતાની ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરવાનો અવસર હતો ત્યારે મોરબીના એકમાત્ર અને વર્ષો પુરાણા નાગ દેવતાના મંદિરે નાગ પાંચમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
મોરબીના બોરીચા વાસ વિસ્તારમાં આશરે ૫૦૦ વર્ષ પુરાણું નાગ દેવાતાનું મંદિર આવેલું છે. આ નાગ દેવતાના મંદિરનો પોરણીક ઇતિહાસ રસપ્રદ છે. આ અંગે નાગ દેવતા મંદિરના પુજારીએ જણાવ્યું હતું કે, આશરે ૫૦૦ વર્ષ પૂર્વ આ જગ્યાએ નાગ દેવતાનો રાફડો હતો અને નાગ દેવતા દર્શન આપતા હોય તે સમયે લોકો પણ શ્રદ્ધાભેર પૂજા કરતા હતા. આથી પૂજારીના પૂર્વજોએ આ રાફડાની જગ્યાએ નાગ દેવતાની મૂર્તિની સ્થાપના કરી હતી અને આવી રીતે આ જગ્યાએ નાગ દેવતાનું મંદિર બન્યું હતું.
આ નાગ દેવતાંનું મંદિર વર્ષોથી ચરમારિયા દાદાના મંદિર તરીકે જાણીતું છે. દર નાગ પાંચમે આ મંદિરે શ્રદ્ધાળુઓ આવીને નાગ દેવતાની પૂજા અર્ચના કરે છે. નાગ પાંચમના દિવસે ચરમરીયા દાદાના મંદિરે ભાવિકો ઉમટી પડ્યા હતા. ભાવિકોએ નાગ દેવતાને દૂધ તેમજ અન્ય પ્રસાદ અર્પણ કરીને પૂજા અર્ચના કરી હતી

(11:33 pm IST)