Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

જુનાગઢમાં કાલથી બે દિવસ સાહિત્‍ય સમારોહ

ગુજરાતી દલિત સાહિત્‍ય પ્રતિષ્‍ઠાનનું આયોજન

જુનાગઢ તા. ર૭ :.. આગામી તા. ર૮-ર૯ શનિ-રવિ મે, સરદાર સ્‍મૃતિ ભવન, કૃષિ વિશ્વ વિદ્યાલય મોતીબાગ-જુનાગઢ ખાતે ગુજરાતી દલિત સાહિત્‍ય પ્રતિષ્‍ઠાન -અમદાવાદના ઉપક્રમે બે દિવસીય દલિત સાહિત્‍ય સમારોહ દિવંગત સર્જકો, જોસેફ મેકવાન, શ્‍યામ સાધુ, નીરવ પટેલ અને અન્‍ય સર્જકોની પાવન સ્‍મૃતિ સાથે યોજાશે.

ઉદઘાટન બેઠકના અધ્‍યક્ષ સ્‍થાને કેન્‍દ્રીય સાહિત્‍ય અકાદમી - દિલ્‍હી દ્વારા પુરસ્‍કૃત  અને ગુ. દ. સ. પ્રતિષ્‍ઠાનના અધ્‍યક્ષ જાણીતા સાહિત્‍યકાર ડો. મોહન પરમાર રહેશે. બેઠકનું ઉદઘાટન સંત સાહિત્‍યના મર્મજ્ઞ ડો. નાથાલાલ ગોહીલ કરશે. આ બેઠકમાં અતિથી વિશેષ તરીકે જાણીતા સમાજ સેવી નાથુભાઇ સોસા ઉપસ્‍થિતિ રહેશે.

પુસ્‍તક વિમોચન અને વાર્તા પઠન બેઠકના અધ્‍યક્ષ પણ ડો. મોહન પરમાર રહેશે. એક અડાળી ચા-વાર્તાસંગ્રહ (છગન બજક), ચરોતરના વંચિત સમાજનું લોકસાહિત્‍ય - લગ્ન ગીતો (ડો. રમણ માધવ) ખટકો-કાવ્‍યસંગ્રહ (ધરમસિંહ પરમાર)નું વિમોચન જાણીતા સાહિત્‍યકાર ડો. કેશુભાઇ દેસાઇના વરદ હસ્‍તે કરવામાં આવશે. આ તકે જેસંગ જાદવ, રામ સોલંકી, તથા મહેશ જાદવ, પોતાની વાર્તાનું પઠન કરશે.

ત્‍યાર બાદ કવિશ્રી દાન વાઘેલાની અધ્‍યક્ષતામાં કવિ સંમેલન યોજાશે. કવિ સંમેલનમાં જાણીતા કવિઓ ભી.ન.વણકર, દલપત ચૌહાણ, કેશુભાઇ દેસાઇ, ધરમસિંહ પરમાર, સાહીલ  પરમાર, અશોક ચાવડા, આત્‍મારામ ડોડીયા, રમણ વાઘેલા, બ્રહ્મ ચમાર, ડો.ભીખુ વેગડા અને અન્‍ય કવિઓ કવિતા પઠન કરશે આ કવિ સંમેલનનું સંચાલન જાણીતા કવિ નિલેશ કાથડ કરશે.

રાત્રીના દલીત કવિતાની ગેય પ્રસ્‍તુતીમાં ગુણવંત બારોટ દ્વારા અગઝલનું સ્‍વરાંકન રજુ કરવામાં આવશે.

બીજા દિવસે દલીત સાહિત્‍ય સંવાદમાં બે જુદા જુદા વિષય પર ડો.ભીખુ વેગડા અને ડો.અશોક ચાવડા બે દિલ પોતાનું વિદ્વતાપુર્ણ વકતવ્‍ય આપશે. બેઠકનું અધ્‍યક્ષ સ્‍થાન વિદ્વાન સાહિત્‍યકાર ભી.ન.વણકર શોભાવશે.

કાર્યક્રમની અંતિમ બેઠક સન્‍માન અને ેઅવોર્ડ વિતરણની રહેશે.જેના અધ્‍યક્ષ સ્‍થાને ડો.મોહન પરમાર રહેશે. આ બેઠકમાં ત્રણ સાહિત્‍યકાર દશરથ પરમાર, સંજય ચૌહાણ, ડો.અશોક ચાવડા બે દિલનું સન્‍માન કરવામાં આવશે. ઉપરાંત મુક સામાજીક સેવા માટે ઉદ્યોગપતિ, જયંતીભાઇ મકવાણા, નાયબ પોલીસ અધિક્ષક, શ્રી જીતેન્‍દ્ર બોરીયા, સેવાભાવી તબીબો ડો.ટી.જી.સોલંકી, ડો.અરવિંદ કાથડ, તથા ડો.ગૌરાગ બગડાનું વિશેષ સન્‍માન કરવામાં આવશે. આ જ બેઠકમાં જુનાગઢ જીલ્લા શ્રેષ્‍ઠ દલીત સાહિત્‍યકાર પ્રતિષ્‍ઠાન સાહિત્‍ય સન્‍માન નિર્ણાયક સમીતી દ્વારા જાહેર કરવામાં આવશે તેમ સંસ્‍થાના સંયોજક નિલેશ કાથડ તથા નરેન્‍દ્ર વેગડાની યાદીમાં જણાવાયું છે.  

(1:59 pm IST)