Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

કાલે મોદી વિકાસની વાત અને જસદણ પંથકના સંભારણા વાગોળશે

વડાપ્રધાન વર્ષો પછી જસદણ પંથકમાં આવી રહ્યા હોવાથી વિશેષ ઉત્‍સાહ : ચૂંટણીનું વર્ષ હોવાથી પ્રવચન ધ્‍યાનાકર્ષક બની રહેશે

રાજકોટ તા. ૨૭ : ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી આવતીકાલે શનિવારે એક દિવસની ગુજરાતની મુલાકાતે છે. કાલે સવારે જસદણ તાલુકાના આટકોટ ખાતે પટેલ સેવા સમાજ નિર્મિત શ્રી કે.ડી.પરવાડીયા મલ્‍ટીસ્‍પેશ્‍યાલિટી હોસ્‍પિટલનું તેમના હસ્‍તે ઉદ્‌ઘાટન છે. ઉદ્‌ઘાટન નિમિતે હોસ્‍પિટલની સામેના જ ખેતરોમાં ઉભા કરાયેલા વિશાળ સમિયાણામાં તેમની જાહેરસભા યોજવામાં આવી છે. કોરોનાકાળ પછી સૌરાષ્‍ટ્રમાં મોદીની પ્રથમ જાહેરસભા હોવાથી કાર્યકરો અને લોકોમાં ઉત્‍સાહ છે. વડાપ્રધાન કાલે સૌરાષ્‍ટ્ર સાથેના સંભારણા વાગોળે તેવી શક્‍યતા છે.
શ્રી નરેન્‍દ્રભાઇ મોદી જે વિસ્‍તારમાં પ્રવાસે જતા હોય તે વિસ્‍તારની ખાસીયતો, વિસ્‍તારના વ્‍યકિતવિશેષ અને ઐતિહાસીક સ્‍થળોનો પોતાના પ્રવચનોમાં ઉલ્લેખ કરે તેવું અનેક વખત બન્‍યું છે. રાજકોટથી કારકિર્દીની પ્રથમ ચૂંટણી લડેલા તેનો પણ અનેક વખત ઉલ્લેખ કરેલ છે. આટકોટ એ રાજકોટની નજીક છે તેથી રાજકોટ સાથેના મોદીના નાતાની આટકોટના કાર્યક્રમમાં અસર દેખાશે. જસદણ સાથે પણ તેમનો જુનો નાતો હોય જસદણ પંથકના સંભારણા પણ વાગોળશે.
શ્રી મોદી ભૂતકાળમાં સંગઠનના હેતુથી તેમજ મુખ્‍યમંત્રી તરીકે રાજકીય અને વિકાસના કામો નિમિતે એકથી વધુ વખત જસદણમાં આવેલા છે. જસદણના કેટલાય લોકો સાથે તેમનો વ્‍યકિતગત પરિચય છે. આ પંથક સાથેના તેમના સંભારણા વકતવ્‍યમાં વાગોળે તેવી ધારણા છે. સ્‍થાનિક આગેવાનો પણ તેમની સાથેના યાદગાર પ્રસંગો વર્ણવી રહ્યા છે. ધારાસભાની ચૂંટણીનું વર્ષ છે. હોસ્‍પિટલના નિર્માણમાં પાટીદાર સમાજનો મોટો ફાળો છે. વડાપ્રધાનના પ્રવચન પર રાજકીય સમિક્ષકોની મીટ છે. જસદણ પંથક સાથેના સબંધ ઉપરાંત હોસ્‍પિટલનું ઉદ્‌ઘાટન હોવાથી સરકારની આરોગ્‍ય વિષયક સેવાઓ અને સિધ્‍ધીઓ તેમજ કોરોનાકાળનો અને સરકારના વિકાસકામોનો ઉલ્લેખ કરે તે સ્‍વભાવિક છે.

 

(11:39 am IST)