Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

સુરેન્દ્રનગરમાં સોનાની દુકાનમાંથી પ લાખનાં દાગીનાની લૂંટ કરનારા સીસીટીવી કેમેરામાં કેદ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૭ : સુરેન્દ્રનગરના કોઠારી કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફલોર પર આવેલી ઘરેણાં ધોવાની દૂકાનમાં શનીવારે રાત્રે બે સગાભાઇઓ કામ કરતા હતા. ત્યારે ત્રણ શખ્સોએ આવી ધોકા અને છરી બતાવી જે હોઇ તે આપી દો નહીતર કાપી નાંખીશુ કહી રૂપિયા ૩.૩૬ લાખના દાગીનાની લૂંટ ચલાવી હતી. બાદમાં બંને ભાઇઓના જ વાહનો લઇ ફરાર થઇ જતાં આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાના ૧૮ કલાક બાદ માત્ર નિવેદનોના આધારે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગરની બ્રહ્મ સોસાયટીમાં રહેતા બે ભાઇઓ શૈલેશ જયંતીલાલ દીક્ષીત અને મહેશ જયંતીભાઇ દીક્ષીત અપના બજાર સામે કોઠારી કોમ્પલેક્ષમાં સોનાના દાગીના ધોવાનું કામ કરે છે. ત્યારે શનિવારે રાત્રે ૧.૦૦ કલાકે એક બુકાનીધારી સહિત ત્રણ શખ્સો ધસી આવ્યા હતા. આ શખ્સોએ બન્ને ભાઇઓને લાકડાના ધોકા અને છરી બતાવી જે હોય તે આપી દો નહીતર કાપી નાંખીશુ તેમ જણાવ્યુ હતુ. જેમાં બન્ને ભાઇઓએ પ્રતિકાર કરતા મોં અને હાથ સેલો ટેપ વડે બાંધી દઇ દુકાનમાં રહેલા અંદાજે ૧૨ તોલા સોનાના દાગીના રૂપિયા ૩.૩૬ લાખની કિંમતની લૂંટ ચલાવી હતી. બનાવની એ ડીવીઝન પોલીસ મથકે જાણ થતા રવિવારે પોલીસ ટીમ દ્યટનાસ્થળે ધસી ગઇ હતી અને સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જયારે ઇજાગ્રસ્ત બન્ને ભાઇઓના નિવેદનને આધારે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. બનાવના ૧૮ કલાક સુધી રવીવાર સાંજ સુધી પોલીસ મથકે ફરિયાદ ન નોંધાતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા હતા.

બન્ને ભાઇઓને દુકાનમાં પૂરી બહારથી શટર બંધ કરી દીધું...

સોનીની દુકાનમાં લૂંટ ચલાવ્યા બાદ બન્ને ભાઇઓને અંદર પૂરી બહારથી શટર પાડી દીધુ હતુ. અને બન્ને ભાઇઓ તુરંત કોઇ સુધી પહોંચી ન શકે તે માટે તેમના મોબાઇલ અને એકટીવા અને એકસેસ મોપેડની ચાવી લઇ લીધી હતી. ત્યારબાદ તેમના જ વાહન લઇ લૂંટારૂઓ પલાયન થઇ ગયા હતા.

ઇજાગ્રસ્ત બન્ને ભાઇઓ રાત્રે ચાલતા દવાખાને ગયા..

લૂંટને અંજામ આપી ૩ શખ્સો નાસી બાદ બન્ને ભાઇઓએ એક બીજાના હાથની પટ્ઠી ખોલી હતી. ત્યારબાદ દુકાનેથી ચાલતા દવાખાને ગયા હતા. બન્ને ડરના માર્યા રસ્તામાં મળતા લોકોને કાંઇ વાત કરી શકતા નહોતા.

(1:25 pm IST)