Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

કચ્છના વાગડની રાપર બોર્ડર ઉપરથી પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો

ભુજ, તા.૨૭: (ભજ) કચ્છ સરહદેથી પાકિસ્તાની નાગરિક ઝડપાવાની દ્યટનાને પગલે સરહદી એજન્સીઓ અને ગુપ્તચર તંત્ર એલર્ટ થઈ ગયું છે. જોકે, ઝડપાયેલો પાકિસ્તાની નાગરિક આ વખતે વાગડની રાપર બોર્ડર ઉપરથી ઝડપાયો છે. એટલુંજ નહીં ઝડપાયેલા ઘૂસણખોર હિન્દૂ છે.

આ વિશે મળેલી વધુ વિગતો પ્રમાણે આજે ભારતીય સીમા સુરક્ષા દળ BSFની ૩૭ બટાલિયનના જવાનો ખડીર અને પ્રાંથળ વિસ્તારમાં બોર્ડર પેટ્રોલીંગ કરી રહયા હતા ત્યારે ઝીરો પોઈન્ટ પીલર નં. શ૧૧૦/૨ S પાસેથી ભારતીય સીમામાં આવેલ પાકિસ્તાની નાગરિક તગજી રાઉતુક વાલડીયા મેધવાળ રહે. કાસબો તા. મીઠી થરપારકર વારાને ઝડપી પાડયો હતો. આ પાક. નાગરિક કયાં કારણોસર ભારતીય સીમામા આવ્યો તે બાબતેની તપાસ BSF દ્વારા હાથ ધરાઈ છે.

બીએસએફ દ્વારા બાલાસર પોલીસને હવાલે કરી વિધિવત ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. આ અંગે બાલાસર પીએસઆઇ ગોંજીયા એ વધુ તપાસ કરી રહ્યા છે. થોડા સમય અગાઉ પણ આજ સરહદ પરથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો હતો. અવારનવાર વાગડ વિસ્તારની આંતરરાષ્ટ્રીય સરહદ પરથી પાકિસ્તાની નાગરિકો પકડાવવાનો સિલસિલો દેશની સુરક્ષા સામે જોખમરૂપ છે. જોકે, ઝડપાયેલા પાકિસ્તાની હિન્દૂ નાગરિકની વધુ પૂછપરછ ભુજ જેઆઇસીમાં બધી જ એજન્સીઓ દ્વારા સયુંકત રીતે હાથ ધરાશે.

(11:46 am IST)