Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

પડધરીના ખાખડાબેલામાં રેતીની ચોરી કરવાનું કારસ્‍તાન ઝડપી લેતું સ્‍ટેટ મોનીટરીંગ સેલ

હીટાચી, વાહનો કબ્‍જે કરવા તજવીજઃ ત્રણ હજાર મેટ્રીક ટન રેતીના ઢગલાઓનું પંચનામુ કરવાની કાર્યવાહીઃ ખનીજ ચોરી મામલે ગુનો દાખલ કરાવવા તજવીજ

રાજકોટ તા. ૨૭: પડધરીના ખાખડાબેલા ગામે સ્‍ટેટ મોનીટરીંગ સેલે ગેરકાયદે રેતી ચોરીનું જબરૂ કારસ્‍તાન ઝડપી લીધું છે. હજારો મેટ્રીક ટન રેતી જપ્‍ત કરવામાં આવી છે તેમજ હીટાચી સહિતના વાહનો કબ્‍જે કરવા કાર્યવાહી થઇ રહી છે. ખનીજ ચોરીમાં સામેલ શખ્‍સો વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખનીજ ચોરીની પ્રવૃતિઓ ડામવાનું જેનું કામ છે તે તંત્રને અંધારામાં રાખી સ્‍ટેટ મોનીટરીંગ સેલની ટીમે વહેલી સવારે પડધરીના ખાખડાબેલામાં દરોડો પાડયો હતો. ખાખડાબેલાની આજી નદીમાંથી હજારો મેટ્રીક ટન રીતે ચોરીને લઇ જવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો છે. દરોડાના સ્‍થળે ત્રણેક હજાર મેટ્રીક ટન રેતીના ઢગલા હોઇ તેનું પંચનામુ કરી કબ્‍જે કરવા તજવીજ થઇ રહી છે.

આ ઉપરાંત ખનીજ ચોરીમાં ઉપયોગમાં લેવામાં આવતાં હીટાચી સહિતના વાહનો કબ્‍જે કરવાની કાર્યવાહી થઇ હતી. અગાઉ પણ આ વિસ્‍તારમાં એસએમસીએ આ પ્રકારે દરોડો પાડી ખનીજ ચોરી ઝડપી લીધી હતી.

(4:38 pm IST)