Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

પાટણવાવ ઓસમ પર્વત માત્રીમાના મંદિર પાસે ગેરકાયદે કબ્જો-હુકમનામા મુદ્દે ૨૧ જ્ઞાતિનાં આગેવાનો સાથે મહંત દ્વારા આવેદન

મામલતદાર હુકમનામુ પરત ન ખેચે તો ઉપવાસ આંદોલનઃ જયવંતપુરી બાપુ અને સેવકોની ચિમકી

ધોરાજી તા.૨૬: ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે આવેલ યાતાધામ ઓસમ પર્વતમાં આવેલ શ્રી માત્રી માતાજી મંદિરના મહંત જયવંતપુરી બાપુએ ડે.કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવતા જણાવેલ કે અમારા માત્રીમાતા મંદિરના ૨૧ જ્ઞાતિઓના કુળદેવી છે અને સમગ્ર દેશમાંથી યાત્રિકો દર્શન માટે આવે છે અને અમારા મંદિર પાસે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચની ૩૨૪ વાર જમીનની જગ્યા ઉપર બાંધકામ કરેલ છે એ માત્ર વર્ષમાં ૩ દિવસ માટે વાપરવામાં આવેલ છે. છતાં બંન્ને ક્ષત્રિય સમાજના જ્ઞાતિજનોએ અધિકારીઓ સાથે મિલીભગત રાખી અમારી લેખવાળી જગ્યાનો વિવાદાસ્પદ જગ્યાનો ધોરાજીના મામલતદાર એ હુકમનામુ આપી અમોને અન્યાય કરેલ છે.

જો મામલતદાર આ હુકમ પાછો નહી ખેચે તો મામલતદાર ઓફીસ સામે હું મહંત જયવંતપુરી બાપુ અને ૨૧ જ્ઞાતિના જ્ઞાતિજનો કચેરી સામે  આમરણાંત ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડશે.

મહંત જયવંતપુરી બાપુએ જણાવેલ કે અમારી પાસે રહેલ શ્રીમાત્રીમાતાજીનું મંદિર અને ઉતારાની જગ્યા ગોંડલના ભગવતસિંહજી બાપુએ લેખ લખી આપેલ છે. અને સંપુર્ણ જગ્યાનો હક્ક અમારો છે.

છતા ધોરાજીના મામલતદાર એ બ્રહ્મક્ષત્રિય સમાજના લોકો સાથે મિલીભગત કરી ખોટી રીતી લેખ હુકમનામુ બ્રહ્મક્ષત્રિય સમાજ પંચને લખી આપેલ છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ.

અને ધોરાજીના મામલતદાર વિરૂદ્ધ અમો ન્યાય મેળવવા માટે મામલતદાર ઓફીસ સામે જ ઉપવાસ આંદોલન છેડશુ જેની ગંભીર નોંધ લેવા જણાવેલ છે.

ઉપરોકત બાબતે મામલતદાર ધોરાજીએ જે ખોટી રીતે હુકમનામુ કરેલ છે તેની સામે અમોએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરેલ છે.

અને જો તાત્કાલિક મામલતદાર હુકમનામુ પાછુ નહીં ખેચે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમારે સાધુ-સંતો સાથે સેવકગણ સાથે ઉપવાસ આંદોલન કરીશું.

પવિત્ર યાત્રાધામ ઓસમ પર્વત માત્રી માતા મંદિરના મહંત જયવંતપુરી બાપુ મામલતદાર સામે ખોટા નિર્ણયથી વિવાદ  ધાર્મિક જગ્યાનો વધારતા ધોરાજી મામલતદાર વિરૂદ્ધ સેવકગણ નારાજ થયો છે.(૧.૬)

(12:15 pm IST)