Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

લલિત વસોયાએ નગરપાલિકાની ચૂંટણીમાં કુનેહપૂર્વક નેભાના પાણી મોભે ચડાવ્યા : ભાજપની પોલિસી સામે તેની જ ભાષામાં આપ્યો જવાબ

ધોરાજી, ભાયાવાદર, પાલિકામાં કોંગ્રેસનું શાશન જાળવી રાખી ઉપલેટામાં 18 - 18 વર્ષથી ભાજપના ના શાશન માં પાડ્યો છેદ :ધોરાજી - ઉપલેટા વિધાનસભા વિસ્તારની ત્રણેય નગરપાલિકામાં કબ્જો કરવાની ભાજપની મહેચ્છા પુરી ન થઈ

ધોરાજી :-  તાજેતરમાં સૌરાષ્ટ્રમાં નગરપાલિકાના પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણીઓ યોજાઈ જેમાં કોઈ કોઈ નગરપાલિકામાં સત્તા પરિવર્તન થયું. જેમાં વિસાવદર અને વંથલીમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી.

જ્યારે ધોરાજી ઉપલેટા વિધાનસભા મત વિસ્તારમાં ધારાસભ્ય લલિત વસોયાએ ધોરાજી અને ભાયાવાદર ની નગરપાલિકા કોંગ્રેસમાં જાળવી રાખી હતી. ધોરાજી અને ભાયાવાદર માં પણ ભાજપ દ્વારા પાલિકાની સત્તા આંચકી લેવા પ્રયત્નો થયા હતા. પરંતુ તેમાં ભાજપનો ગજ વાગ્યો ન હતો. ઉપરાંત ઉપલેટા ભાજપ પાસે 36 માંથી 26 સીટો ભાજપ પાસે હોય અને છેલ્લા 18 - 18 વર્ષથી  ઉપલેટા પાલિકામાં ભાજપનું શાશન હોય ત્યારે ભાજપ માં પ્રમુખ પદ માટે આંતરિક હોડઉભી થતા ભાજપના જ જૂથના બે બાહુબલી નેતાઓએ પ્રમુખપદ માટે નામાંકન ભરતા ઉપલેટમાં પાલિકાનું રાજકારણ ચરમ સીમાએ પોહચ્યું હતું. વર્ષોથી સરળ અને સાલસ સ્વભાવ ધરાવતા પ્રમુખ દાન ભાઈ ચંદ્રવાડિયાનું શાશન ચાલી રહ્યું હતું. જેમાં યુવા અને ઉત્સાહી યુવાન મયુરભાઈ સુવાએ પ્રમુખપદ માટે જોર લગાવતા ભાજપે મયુરભાઈ સુવાના નામનો મેન્ડેટ આપ્યો હતો.

જોકે 24 તારીખે દાનભાઈ ચંદ્રવાડિયા એ પાર્ટી ના મેન્ડેટ વિરુદ્ધ જઈ ભાજપના 14 અને કોંગ્રેસના 5 સભ્યોની મદદથી બહુમતી પુરવાર કરી પ્રમુખપદ મેળવી લીધું હતું.

 આમાં જોઈએ તો સમગ્ર ગેમ કોંગ્રેસના સભ્યો એ પલટી નાખી હતી. પાલિકા મામલે કોંગ્રેસના પાંચ સભ્યો નું સમર્થન દાનભાઈ ને મળ્યું હતું. તે સભ્યો જાતે ભાજપ ને ટેકો આપ્યો કે ધારાસભ્ય લલિત વસોયાએ તેમને ટેકો આપવા મોકલ્યા તેના વિશે અટકળો ચાલી રહી છે.

સમગ્ર સ્થિતિ પરથી એક વાત નક્કી થાય કે ધારાસભ્ય વસોયાએ પોતાના મત વિસ્તારમાં બે પાલિકામાં કોંગ્રેસનું શાશન ટકાવી રાખ્યું અને ઉપલેટમાં ભાજપની  સતા ને ઉખેડવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે.

(4:25 pm IST)