Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

અમારા કુટુંબીજનોથી પણ વિશેષ ધ્યાન રાખતા ડોકટરોને વંદનઃ અમરેલી જીલ્લાના કોરોનામુકત દર્દી

ચા- નાસ્તો, બે ટાઈમ ગુણવતાયુકત ભોજન, દર બે કલાકે સાફ-સફાઈ/ સેનિટાઈઝેશન અને ઉચ્ચ અધિકારીઓની અંગત દેખરેખ દર્દીને બિમારી ભૂલાવી દે છેઃ વહીવટી તંત્ર દ્વારા કોરોનામુકત દર્દીઓને હોસ્પિટલમાં મળેલી સારવાર અંગે ફોન કરીને પ્રતિભાવ મેળવાય છે

અમરેલી, તા.૨૬: જિલ્લામાં અંદાજે આજ સુધી કુલ ૭૯૦ જેટલા દર્દીઓ કોરોના સામે જંગ જીતી સંપૂર્ણરીતે સ્વસ્થ થઈને ઘરે ગયા છે જેનો શ્રેય જાય છે આપણા કોરોના વોરિયર્સને. અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનામુકત દર્દીઓને હોસ્પિટલમાં મળેલી સારવાર અંગે ફોન કરીને પ્રતિભાવ મેળવવામાં આવે છે. પ્રતિભાવોમાં સારવાર કે વ્યવસ્થામાં કોઈ ક્ષતિ જણાય તો તાત્કાલિક યોગ્ય પગલાં ભરવામાં આવે છે. કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર લઈને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓ તરફથી ખુબ જ સારા પ્રતિભાવો મળી રહયાં છે.

અમરેલી જળ સિંચન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી એ. બી. રાઠોડ જણાવે છે કે કેટલાક દિવસો પૂર્વે મને કોવિડ-૧૯ પોઝિટિવ આવતા રાધિકા હોસ્પિટલ ખાતે અંદાજે ૧૦ દિવસ સારવાર અર્થે એડમિટ કરવામાં આવ્યો હતો. સદ્યન સારવાર બાદ હું સંપૂર્ણરીતે સ્વસ્થ થઇ અને ડિસ્ચાર્જ બાદ હાલ કોરેન્ટાઇન છું. હોસ્પિટલ ખાતે દર્દીની દરેક પ્રકારની સારસંભાળ રાખવામાં આવે છે. સવારના ચા-નાસ્તાની સાથે બે ટાઈમનું ગુણવતાયુકત જમવાનું, દર બે-બે કલાકે સાફ-સફાઈ કરવામા આવે છે. જરૂર પડે ત્યારે ઓકિસજન-બ્લડ ટેસ્ટ કરાય છે. હોસ્પિટલ સ્ટાફના મિત્રો સહીત ઉચ્ચ અધિકારીઓની અંગત દેખરેખથી દર્દી બિલકુલ ચિંતામુકત રહે છે. ડિસ્ચાર્જ કરેલા દર્દીના બેડને એક કલાક સુધી વ્યવસ્થિત રીતે સેનિટાઇઝ કર્યા બાદ જ અન્ય દર્દીને એલોટ કરવામાં આવે છે જે ખુબ જ પ્રશંસનીય છે.

કોરોનામુકત થયા બાદ તબીબો અને સ્ટાફ દ્વારા રજા આપવાના દિવસ વિશે વાત કરતા શ્રી રાઠોડ જણાવે છે કે, મારા ડીસ્ચાર્જ સમયે તમામ કોરોના વોરીયર્સ જોડાયા. ખરેખર મને એક પરીવારનાં સભ્ય કરતાં પણ વિશેષ પ્રેમ અને હુંફ હોસ્પીટલનાં સ્ટાફે આપ્યા છે.  મને ખૂબ જ સાચવ્યો છે. મને તાળીઓ વગાડી વિદાયમાન આપ્યું છે. ખરેખર તેમના માટે મારી પાસે કોઇ શબ્દો નથી.

નિવૃત સરકારી કર્મચારી કિશોરદાન ગઢવી જણાવે છે કે મને કોવિડ પોઝિટિવ આવ્યા બાદ રાધિકા હોસ્પિટલ ખાતે ખસેડાતા મારા કુટુંબીજનો ચિંતાતુર બન્યા હતા પરંતુ અહીંની વ્યવસ્થા અંગેની જાણ કરતા એમની ૫૦ ટકા ચિંતા ત્યાં જ ઓછી થઇ હતી. આર.એમ.ઓ. ડો. ડાભીની સીધી દેખરેખ અને તકેદારી હેઠળ સુંદર કામગીરી જોવા મળી હતી. સ્વચ્છતા, સતત સેનિટાઈઝેશન, પથારીઓના ઓછાડ બદલવા, સમયસર દર્દીઓને ચા-નાસ્તો અને પૌષ્ટિક ભોજન, દરેકને તબીયતના હાલ ચાલ પૂછવા તેમજ સ્ટાફની અવિરત સેવા દર્દીની બિમારી ભૂલાવી દે છે. અમારા કુટુંબીજનોથી પણ વિશેષ ધ્યાન રાખતા આપણા ડોકટરોને બે હાથ જોડી વંદન કરું છું.

અમરેલીમાં કોરોના દર્દીઓની સારામાં સારી મેડીકલ ટ્રીટમેન્ટ તો કરવામાં આવે છે જ પણ સાથે સાથે હોસ્પીટલના તબીબો અને સ્ટાફ દ્વારા લાગણી, હુંફ અને પોતાના કૌટુંબિક સભ્ય હોય એ રીતે દર્દીઓની કાળજી લેવામાં આવે છે જે ખુબ જ સરાહનીય અને ઉત્સાહવર્ધક છે.(૨૩.૧૫)

:સંકલનઃ

સુમિત ગોહિલ

જીલ્લા માહિતી કચેરી અમરેલી

(1:25 pm IST)