Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

કેશોદમાં કુલ પ૦ ઇંચ વરસાદ છતાં ઘાસચારા માટે મુશ્કેલી

સતત વરસાદ વરસવાના કારણે પશુઓને શુ ખવડાવવુ ? તે પશુપાલકો માટે વિકટ પ્રશ્ન

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. ર૬ :.. આ વિસ્તારમાં ચોમાસાની સીઝનનો આજ સુધીમાં આશરે પચાસ ઇંચ વરસાદ પછી પણ પશુઓને અત્યારે કેમ નિભાવવા તેવો મુશ્કેલ પ્રશ્ન પશુપાલકો માટે આજની સ્થિતિમાં ઉભો થયો છે.

સામાન્ય રીતે આ વિસ્તારમાં દર વરસે ૩પ ઇંચ જેવો વરસાદ ચોમાસાની આખી સીઝન દરમિયાન થાય છે. અને આટલા વરસાદથી ખેતીવાડી અને પીવાના પાણીની જરૂરીયાત પુરી થઇ જાય છે. પશુઓ માટે બાર માસના ઘાસચારાની જરૂરીયાત પણ પુરી થઇ જાય છે.

પરંતુ આ વરસાદની સ્થિતિ કાંઇક અલગ જ છે. ઓગસ્ટ માસ પુરો થવા ને હજુ એક અઠવાડીયુ બાકી  છે. તો અત્યાર સુધીનો આ સીઝનનો વરસાદનો આંકડો લગભગ પ૦ ઇંચને આંબી  ગયો છે. અને હજુ વરસાદનો સપ્ટેમ્બર મહિનો તો બાકી જ છે. આ વિસ્તારમાં આવી સ્થિતિ ઘણા વરસો પછી ઉભી થયેલી છે.

ઉપરોકત સ્થિતિના કારણે આ વિસ્તારમાં લીલો દુષ્કાળ પડે તેવી સ્થિતિ આકાર લઇ રહી છે આ સ્થિતિમાં લીલો ઘાસચારો ભારે મોટા પ્રમાણમાં ઉગી નિકળ્યો છે. લીલો ઘાસચારો પુષ્કળ પ્રમાણમાં થવા છતાં અત્યારે પશુઓને શુ ખવરાવવુ તેવો વિકટ પ્રશ્ન લગભગ દરેક પશુપાલક માટે ઉભો થયો છે.

સામાન્ય રીતે દરેક પશુપાલક ઉનાળાના અંતે પોતાના પશુઓની મહિના - પંદર દિવસની જરૂરીયાતનો સુકો ઘાસચારો રાખતો હોય છે આ ઘાસચારો પુરો થાય ત્યાં  ચોમાસાનુ નવુ ઘાસ આવી જાય છે એ રીતે સુકુઘાસ આજ સુધીમાં કયારનું પુરૂ થઇ ગયુ છે હવે નવુ ઘાસ સતત વરસાદના કારણે વાઢી શકાતુ નથી અથવા આવા પશુઓને ચરવા માટે લઇ જાય તો પાણીવાળુ ઘાસ હોવાથી ઢોર પુરતા પ્રમાણમાં ખાતા નથી. પાણી વગરનુ લીલુ ઘાસ હોય અને જે પ્રમાણમાં આવા ઢોર ખાય છે. તે અત્યારે ખાઇ  શકતા નથી. અને દરરોજ આવુ લીલુ ઘાસપશુને ભાવતુ પણ નથી હોતુ પરિણામે આવા પશુઓને ભાવતો ઘાસચારો કેમ પુરો કરવો તે એક મોટી સમસ્યા ઉભી થયેલી છે વરાપ નીકળે તો જ આ સ્થિતિમાં તાત્કાલીક સુધારો થાય છેલ્લા પંદરેક દિવસથી આકાશમાં સૂર્યનારાયણે લગભગ દર્શન આપ્યા જ નથી.

(1:19 pm IST)