Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

પોરબંદર પાસે નરવા આઇ માતાજી મંદિરમાં ૭ ફુટ પાણીઃ કર્લી ખાડી અને અસ્માવતી ઘાટમાં ઘોડાપુર

ઉપરવાસની નદીઓના પુરના પાણી તાલુકામાં ફરી વળતા જળબંબાકારની સ્થિતિઃ ૧૦ દુકાનોમાં પાણી ઘુસ્યાઃ ખાદ્ય સામગ્રી અને ઇલેકટ્રીક સાધનોને નુકસાનઃ યાર્ડ પાસે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

પોરબંદર નરવા આઇ માતાજી મંદિરે ૭ ફટ પાણી ભરાયા બાદ આજ સવારથી પાણી ઉતરવા લાગ્યા હતા મંદિરમાં ભરાયેલા પાણીની તસ્વીર. (તસ્વીર : સ્મિત પારેખ પોરબંદર)

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૬ :.. શહેર-તાલુકામાં ઉપરવાસની નદીઓના પાણી ફરી વળતા બે દિવસથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. પોરબંદર પાસે નરવા આઇ માતાજી મંદિરમાં ૭ ફુટ પાણી આવી ગયેલ જે આજે સવારથી ઉતરવા લાગ્યા છે. મંદિર પાસે ૧૦ દુકાનોમાં પાણી ઘુસી જતાં ખાદ્ય સામગ્રી પલળી ગયેલ છે તથા ઇલેકટ્રીક સાધનોને નુકસાન થયેલ છે.

ઉપરવાસની મીણસાર ભાદર ઓઝત મધુવંતી નદીઓમાં ઘોડાપુર આવતા આ નદીઓના પાણી પોરબંદર તાલુકામાં ફરી વળતા જળબંબાકારની સ્થિતી સર્જાઇ છે. પોરબંદર શહેરમાં કર્લી ખાડીમાં અને અસ્માવતી નદીના ઘાટમાં ઘોડાપુર આવેલ છે બે દિવસથી ઉપરવાસની નદીઓના પાણીની આવક ચાલુ છે.

પોરબંદર-વેરાવળ રોડ ઉપર નરવા આઇ માતાજી મંદિરમાં ૭ ફુટ પાણી ઘુસી ગયેલ હતાં. મંદિરની પાસે દુકાનમાં પણ પાણી ઘુસી જતાં ખાદ્ય સામગ્રી અને ઇલેકટ્રીક સામાનને નુકસાન થયેલ છે.

શહેરના માર્કેટીંગ યાર્ડના નીચાણ વાળા વિસ્તારમાં ઘરમાં પાણી આવી ગયેલ છે પોરબંદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો મહિડા, નેરાણા ઓડદર તથા આજુબાજુમાં નદીના પુરના પાણીને લીધે હાલાકી વધી છે.

(1:13 pm IST)