Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

વર્તુ ડેમના દરવાજા વારંવાર ખોલાતા રાવલ વિસ્તારમાં પાણીની રેલમછેલ

ખેડૂતો તથા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને પારાવાર મુશ્કેલીઃ વાહન વ્યવહાર ઠપ્પ

(જીતેન્દ્ર કોટેચા દ્વારા) જામરાવલ તા.ર૬ : રાવલમાં ત્રણ નદી મળેછે. વર્તુ, સાની અને સોરઠી નદી એમ ત્રણેય નદીનો સંગમ રાવલ ગામે થાય છે. સાનીડેમની પુનઃ રચના કરવાની હોવાથી તેના દરવાજા ખુલ્લા છે, તે ભરવાનો નથી, તેથી ઉપરવાસની સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદ હોય, તેથી સાની નદીમાં પાણી આવે છે.

જેથી કલ્યાણપુર, દ્વારકા તરફનો માર્ગ બંધ થઇ જાય છ, વર્તુ નદી ઉપર બે ડેમ છે, જે ભરાઇ જતાં ભાણવડ વિસ્તારમાં ભારે વરસાદ હોય, ત્યારે વર્તુ ડેમના દસથી વીસ દરવાજા એક સાથે બે થી ચાર ફુટ ખોલવામાં આવે, ત્યારે રાવલથી ચંદ્રાવાડા-ગારીયાધાર-હનુમાનધાર તરફ જતો માર્ગ બંધ થઇ જાય છે, અને રાવલથી પોરબંદર તરફનો વાહન-વ્યવહાર પણ બંધ થઇ જાય છે. છેલ્લા ચાર દિવસથી ભાણવડ તથા રાવલ-ખંભાળીયા વિસ્તારમાં ભારે વરસાદ થતાં અને વર્તુ ડેમના આઠથી સોળ દરવાજા ક્રમશઃ ખોલવામાં આવતા રાવલથી ચંદ્રાવાડા, પોરબંદર, કલ્યાણપુર તથા દ્વારકા તરફનો વાહન-વ્યવહાર ઠપ્પ થઇ ગયેલ છે.

રાવલના હેઠવાસના વિસ્તારમાં ગોઠણસમાં પાણી ભરાઇ જતાં ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડેલ છે, અને હેઠવાસના વિસ્તારના રહેવાસીઓ તથા દુકાનદારોને પારાવાર નુકશાન ભોગવવું પડેલ છે, તેમજ સતત પાણી ભરાયેલું રહેતાં ખેડુતોનો મગફળીનો પાક લગભગ નિષ્ફળ ગયેલ છે, અને મોટાપાયે ધોવાણ થતા પારાવાર નુકશાની વેઠવી પડેલ છે.

(11:50 am IST)