Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

અખબારી અહેવાલનો પડઘો

ખંભાળીયામાં વરસાદથી ધોવાયેલ રસ્તાના ખાડા પુરવાના કામનો જોશભેર પ્રારંભ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૨૬ : દેવભૂમી દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા શહેરના પ્રવેશના રસ્તે જ ભયંકર મોટા ખાડા સ્વાગત કરતા હોય તેમ રસ્તામાં પ્રવેશતા જ ભયંકર ગાબડા વારો રસ્તો હતો. જે અંગે અખબારી અહેવાલોના પગલે પાલિકાતંત્ર દોડતુ થયુ હતુ. સવારથી જેસીબીની મદદથી કામ ચાલુ કરીને આ રસ્તા પરના ગાબડામાં માલ નાખીને પુરવા તથા ખાડા પર ભરતી કરીને લેવલીંગ કરીને ખાડા પુરવા કામગીરી શરૂ કરતા લોકોને રાહત થઇ છે.

ખંભાળીયા ચીફ ઓફીસર એ.કે.ગઢવીએ જણાવેલ હતુ કે, ૮૫ ઇંચ જેવો ભારે વરસાદ પડતા રસ્તાઓ પર ખાડા પડી ગયા છે આ ખાડા હાલ વરસાદમાં પણ પુરવા માટે કાકરી વિ. નાખીને ખાડા પુરવા ચાર વખત પ્રયત્ન કરેલ પણ સતત વરસાદ પડતા આ ખાડા ફરી પાછા પડી જાય છે. જો કે પાલિકા દ્વારા હજુ પણ ખાડા પુરવા કાર્યવાહી થશે. જો કે જયા સી.સી.રોડ અને પેવર બ્લોક છે તેવા વિસ્તારોમાં ખાડા નથી પડયા કે પાણી ભરાવાની સમસ્યા થઇ નથી. જયા ડામર રોડ છે તેવા સ્થળોએ ખાડા પડવાનો પ્રશ્ન થયો છે.

રસ્તા રીપેરીંગ સારી રીતે થાય તે માટે વરસાદ રહી ગયા પછી કામગીરી કરવામાં આવશે જેથી ખાડા પુરાય જાય જો કે હાલ વરસાદ સતત ચાલુ રહેતા ખાડાવાળા રસ્તા ખંભાળીયા શહેરમાં અનેક જગ્યાએ થઇ ગયા છે.

(11:50 am IST)