Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

આમરણ પંથકમાં વરસાદથી ખાનાખરાબીઃ રસ્તા બન્યા બિસ્માર

વાડી-ખેતરોમાં ભરાયેલા પાણીઃ ડેમી નદીના પાણી ફરી વળતા ધોવાણ

(મહેશ પંડયા દ્વારા) આમરણ તા. ર૬ :.. આમરણ ચોવીસી પંથકમાં છેલ્લા ત્રણ દિવસ પડેલા અતિભારે વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. પુરના પાણી ઓસરી ગયા છે. ડેમી નદીના ફરી વળેલા પુરને કારણે કાંઠવી ગામોના ખેતરોમાં નાનુ - મોટું ધોવાણ થયેલ છે.

ખેડૂત અગ્રણીઓના જણાવ્યા મુજબ ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસથી ખેતરોમાં ભરાતા રહેલા પાણી અને ધસમસતા પ્રવાહને કારણે કપાસ અને અજમાના પાકને મોટેપાયે નુકસાની થવા પામી છે. પચાસ ટકા પાક બળી જવાને કારણે નિષ્ફળ ગયો છે.

તદપરાંત ભાદરાથી આમરણ સુધીના ૩૦ કિ. મી. કોસ્ટલ હાઇવેનું ઠેરઠેર જગ્યાએ ધોવાણ થયું છે. અનેક જગ્યાએ મસમોટા ગાબડા પડી ગયા છે. આમ જોઇએ તો આ માર્ગ અગાઉ પણ સંપૂર્ણ ભંગાર હાલતમાં હતો જેને કારણે વાહન ચાલકોને માથાના દુઃખાવારૂપ હતો તેમાંય અતિભારે વરસાદે ખાનાખરાબી સર્જતા હવે આ માર્ગ લોકોની આકરી કસોટી સમાન બની રહેશે. તાકિદે સમારકામ જરૂરી બન્યું છે. આમરણ ચોવીસીના ગ્રામ્ય માર્ગોનું મોટાપાયે ધોવાણ થયું છે. જેમાં બેલાથી ઉટબેટશામપર વચ્ચે ૧ કિ. મી. માર્ગ સંપૂર્ણ ધોવાઇ ગયો છે. ઝિંઝૂડાથી બોડકી વચ્ચેના કોઝવેમાં ગાબડા પડી ગયા છે. ધુળકોટથી ખાનપર વચ્ચેના માર્ગમાં અનેક સ્થળે ગાબડા સાથે માર્ગ ધોવાણ થયું છે. અનેક ખેતરોના પાળા તૂટી ગયા છે. આમરણ ખાતે બસ સ્ટેશન વિસ્તારમાં હોટલો, દુકાનો તેમજ નીચાણવાળા ભાગોના  મકાનોમાં ૧ ફુટ જેટલા પાણી  ઘુસી ગયા હતા પરંતુ લોકોએ અગાઉથી રાખેલી સાવચેતીને કારણે કોઇ મોટી નુકસાની થઇ હોવાનું જાણવા મળતું નથી. ખેતરોમાં હજુ પણ પાણી ભરેલા છે.

(11:48 am IST)