Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

કોટડા સાંગાણીના સાંઢવાયા ગામ પાસેનો પુલ ભારે વરસાદથી જર્જરીત ગમે ત્યારે ધરાસાઇ થવાની ભીતી

(કલ્પેશ જાદવ દ્વારા) કોટડા સાંગાણી તા.ર૬: કોટડા સાંગાણીના સાંઢવાયાનો પુલ ભારે વરસાદથી અતી જર્જરીત હોઇ બન્યો છે આ પુલ ગમે ત્યારે ધરાસાઇ થવાની ભીતી હોવાના કારણે વાહન ચાલકોના જીવ પડીકે બંધાયા છે.

એક તરફ સરકાર દ્વારા વિકાસના કામોને વેગવંતા બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ હજુએ ઘણા એવા ગામો હોઇ છે. જેમાં જરૂરીયાત હોઇ તેવા કામો તંત્રના વાંકે નહીં થતા હોવાના કારણે લોકોને ખાસ અસર પહોંચતી હોઇ છે. ત્યારે કોટડા સાંગાણી તાલુકાનું સાંઢવાયા ગામ પણ આમા બાકાત નથી ગામના પાદરમાંજ આવેલ પુલ અતી જર્જરીત હોવાના કારણે ત્યાંથી પસાર થતા દરરોજના હજારો વાહન ચાલકો પોતાના જીવ પડીકે બાંધીને આ પુલ પરથી પસાર થાઇ છે. જે અંગે તંત્રમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઇ પણ નકકર પગલા લેવામાં આવતા નથી.

આ પુલ પરથી દરરોજના દસથી વધુ ગામના હજારો લોકો પસાર થતા હોઇ છે તે દરમિયાન આ પુલ ધરાસાઇ થયો અને કોઇના જીવ જોખમમાં મુકાયા તો જવાબદાર કોણ. તે પ્રશ્ન અહીં ઉભો થયો છે. તેમાં પણ ભારે વરસાદના કારણે પુલ ધોવાઇ જવાથી ચાલવુ પણ મુશ્કેલ બન્યુ છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક કામ શરૂ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

(11:38 am IST)