Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

પાટીલ રાજ વચ્ચે કચ્છ ભાજપની આબરૂનું ધોવાણ

રાપર સુધરાઈમાં ભાજપના પ્રમુખપદના સત્તાવાર ઉમેદવાર હાર્યા-બાગી ઉમેદવારની જીત

ભાજપ પક્ષના મેન્ડેન્ટની ઐસીતૈસી, રાજકીય ખેલમાં કોંગ્રેસી સભ્યોએ ભાજપના સત્તાવાર ઉમેદવારને જયારે ભાજપી સભ્યોએ બાગી ઉમેદવારને મત આપ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨૬ : પ્રદેશ ભાજપમાં પાટીલ રાજ આવ્યા પછી શિસ્ત અને અનુશાસનની થઈ રહેલી વાતો વચ્ચે રાપર ભાજપમાં થયેલ બળવાએ કચ્છ ભાજપની આબરૂનું ધોવાણ કર્યું છે. પક્ષમાં રહેલી નારાજગી બળવા સ્વરૂપે બહાર આવતા કચ્છના અન્ય શહેરોમાં યોજાનાર સુધરાઈની ચૂંટણીઓ પહેલાં જ રાજકીય માહોલ ગરમ બન્યો છે. રાપર સુધરાઈમાં પ્રમુખપદની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે પક્ષે અમૃતબેન વાલજી વાવીયાની તરફેણમાં મેન્ડેન્ટ આપ્યું હતું. અંજાર ડેપ્યુટી કલેકટરની ઉપસ્થિતિમાં ૨૮ સભ્યોની હાજરી વચ્ચે ભાજપના સત્તાવાર ઉમેદવાર અમૃતબેન વાવીયા સામે બાગી ઉમેદવાર તરીકે ભાજપના જ મહેશ્વરીબા જામસિંહ સોઢાએ દાવેદારી કરતાં મતદાન થયું હતું. આ મતદાને કચ્છના રાજકારણમાં રાજકીય ઉથલપાથલ સર્જી છે. મતદાન દરમ્યાન ભાજપના સત્તાવાર ઉમેદવાર અમૃતબેનની તરફેણમાં કોંગ્રેસના ૧૩ નગરસેવકોએ મતદાન કર્યું હતું. જયારે બાગી ઉમેદવાર મહેશ્વરીબા સોઢાની તરફેણમાં ભાજપના ૧૩ અને કોંગ્રેસના ૨ નગરસેવકોએ મતદાન કરતા તેમની જીત થઈ હતી. જોકે, ઉપપ્રમુખ તરીકે ભાજપના સત્તાવાર ઉમેદવાર પ્રવીણ દયારામ ઠકકર ચૂંટાઈ આવતા પક્ષનું 'નાક' રહી ગયું હતું.

(11:36 am IST)