Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ચોટીલા તાલુકામાં ૧૦ થી વધુ કોઝ -વે તૂટ્યા : મહિલાનું મોત

વરસાદી પાણી ફરી વળતા ગ્રામ્યજનોને ભારે મુશ્કેલી : બોકસ નાળા બનાવવા માંગ

(હેમલ શાહ દ્વારા) ચોટીલા,તા. ૨૬: ચોટીલા વિસ્તાર જીલ્લામાં સૌથી વધુ અંતરીયાળ ગામડા ધરાવે છે. ત્યારે અનેક ગ્રામ્ય રસ્તાને જોડતા રોડ ઉપર આવતા વોકળા ઉપર બેઠા કોઝવે વિશેષ પ્રમાણમાં છે જે અનેક ગામોને જોડતા કોઝવે તુટેલા હોવાથી અનેક ગામડાઓ સંપર્ક વિહોણા જેવી સ્થિતિમાં મુકાય જાય છે.

પાણીનો વધુ પ્રવાહ પસાર થાય છે તેવુ જાણતા હોવા છતા આવા વોકળાઓ અને વરસાદી પાણીનાં પ્રવાહના રસ્તે બોકસ વાળા નાળા બનાવવાનાં બદલે કોઇ ચોક્કસ કારણો થી બેઠા કોઝવે બનાવાય છે જેની નબળી ગુણવતા હોવાથી એક બે ચોમાસામાં ધોવાણ થઇ જાય છે.

તુટેલા કોઝવેને કારણે જયારે વરસાદ પડે ત્યારે આવા ગામોમાં લોકો પરિવહન કરી શકતા નથી અને જાણે વિખુટા પડી ગયા હોય તેવી હાલતમાં મુકાય જાય છે. આવા અનેક ગામોની મુશ્કેલી માટે સરકાર અને તંત્ર સમક્ષ અનેક વખત સ્થાનિકોએ રજુઆતો કરી, સમુહમાં આવી સ્થાનિક અધિકારીઓને આવેદન પણ આપ્યા છે પણ હજુ સુધી કોઇ નક્કર પરિણામ મળેલ નથી.

બે દિવસનાં વરસાદ બાદ અસંખ્ય ગામોની કોઝવે તુટયાની ફરીયાદો આવેલ છે જેમા સુખસર થી ચીરોડા જવાનાં ભાદર નદી ઉપરનો, ધારૈઇ થી ઢોકળવા જતા નદી ઉપરનો, જીવાપર થી ગુંદા જવાનાં રસ્તા ઉપરનો મોટો , મેવાસા થી ગઢેચી જવાના રસ્તા ઉપર ગામની બાજુની નદી ઉપરનો ક, પિપળીયા(ધા) ગામમાં પ્રવેશતા આવેલ , ખેરાણા ગામની નદી ઉપરનો, ચીરોડા ઠાંગા જવાના રસ્તા ઉપર નદી નો, ચોટીલા થી નવાગામ રૂપાવટી જવાનાં રસ્તા ઉપરનો ક, કાળાસર ભીડ ભંજન જગ્યા નજીકનો, ખટડી ડાકવડલા વચ્ચે નો, અકાળા થી સ્કુલના રસ્તા ઉપરનો કોઝવે આણંદપુર થી ફુલઝરના રસ્તે આવતા બેઠા કોઝવે તુટયા છે. આ યાદી હજુ વધી શકે તેમ છે.

ચોટીલા તાલુકામાં કરવામાં આવતા કોઝવેના બાંધકામ નબળી કક્ષાનાં હોવાની ફરીયાદો ઉઠી છે ત્યારે આવા કોઝવેના સ્થાને બોકસ વાળા પુલીયા ટાઇપ નાળા બનાવવામાં આવે તો કાયમી સમસ્યા માંથી આ વિસ્તારનાં ગામોને છુટકારો મળે તેમ છે.

સ્થાનિક ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણા એ આ અંગે સરકારમાં લેખિત જાણ કરી ઘટતુ કરવા રજુઆત કરી છે. પરંતુ એવા અનેક ગામો છે જેની દરખાસ્તો થઈ હોવા છતા કોઇ પરિણામ આવેલ નથી.

પાજવાળી ગામની કૈલાસબેન નામની મહિલાને પેટનો દુખાવો ઉપડતા નવા ગામ થઈને ચોટીલા હોસ્પિટલ લાવતા હતા પરંતુ તુટેલા કોઝવે ને કારણે પરત રૂપાવટી ફરી જવાનું થતા સમયસર ન પહોચતા મૃત્યુ નિપજયું હતું આવા અનેક બિમાર કે ગંભીર મુશ્કેલી સમયે આવા કોઝવે મોતનું નિમિતે બને છે જે વાત નો લોકોમાં રોષ રહે છે.

(11:10 am IST)