Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ભુજનું હમીરસર તળાવ છલકાવવા ભાજપના શાસકોનો જોખમી 'ખેલ' ધુનારાજા ડેમના દરવાજા ખોલતાં લોકોમાં જળ હોનારતનો ભય સર્જાયો

સિંચાઈ વિભાગની જાણ બહાર આદરાયેલી કાર્યવાહી બાદ અપાયેલી નોટિસ અને જનઆક્રોશને પગલે શાસકોએ ભર્યા પારોઠના પગલાં

પ્રથમ અને બીજી તસ્વીરમાં ડેમના પાણી તથા ત્રીજી તસ્વીરમાં રાત્રે દરવાજા બંધ કરવાની થતી કામગીરી નજરે પડે છે(તસ્વીરઃ વિનોદ ગાલાઃભુજ)

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૬: ભુજમાં ૩૦ ઈંચ વરસાદ પછી પણ હમીરસર તળાવ ન છલકાતાં ભુજ સુધરાઈ દ્વારા તળાવની વાવ ઉપરાંત હમીરસરના જળસ્રેતની ઉપેક્ષા બાબતે ભાજપના શાસકો સામે લોકોમાં અને સોશ્યલ મીડીયામાં ભારે ટીકા અને ચર્ચા થઈ રહી છે.

તે વચ્ચે હમીરસર તળાવની પાણીની આવતા સ્ત્રોત સમાન ધુનારાજા ડેમના પાટીયા એકાએક ખોલાયા હતા. આ સંદર્ભે જાગૃત નાગરિકોએ 'અકિલા'નું ધ્યાન દોરી ૨૦૧૧ માં ભુજમાં સર્જાયેલી પુરની પરિસ્થિતિના નિર્માણની દહેશત વ્યકત કરી હતી. તે દરમ્યાન સિંચાઈ વિભાગે પણ પોતાની હસ્તકના ધુનારાજા ડેમના પાટીયા મંજૂરી વગર પરબારા ખોલવા અંગે વરસાદની આગાહી વચ્ચે પુરની જૂની ઘટનાની દહેશત સાથે ભુજ સુધરાઈને નોટિસ ફટકારી હતી.

આ સમગ્ર મામલે સોશ્યલ મીડીયા દ્વારા તંત્રનું ધ્યાન દોરાયા બાદ કલેકટર અને ડીડીઓએ પણ આ મામલે પુછાણું લીધું હતું. ભાજપના અને કોંગ્રેસના અનેક નગરસેવકોતેમ જ હરિપર ગામના લોકોએ પણ પુરની દહેશત સાથે આ નિર્ણયને વખોડયો હતો. અંતે સિંચાઈ વિભાગના આદેશ અને કડકાઈ પછી ભુજ સુધરાઈએ ધુનારાજા ડેમના દરવાજા બંધ કર્યા હતા. જોકે, ભુજ સુધરાઈના ભાજપના જ અમુક નગરસેવકોના માટે આ 'ખેલ' હમીરસર ઓગનાય તો તેને વધાવવા માટે જશ લેવા અમુક પદાધિકારીઓના ઈશારે રચાયો હતો.

ભુજના નગરજનો સ્પષ્ટ આક્ષેપ કરે છે કે, દર વર્ષે હમીરસરની આવના વરસાદી નાળા સફાઈના નામે વપરાતા લાખો રૂપિયા માત્ર કાગળ પર જ વપરાય છે. તાજેતરમાં આરએસએસ દ્વારા ભુજના હમીરસર તળાવની કરાયેલી સફાઈ દરમ્યાન દારૂની બોટલો સહિતના કચરાએ ભુજ નગરપાલિકાની પોલ ખોલી હતી. ભુજ પાલિકાના પદાધિકારીઓએ હમીરસર વધાવવાની લ્હાયમાં ભુજને પુરની જોખમજનક સ્થિતિમાં મુકવા બાબતે અને હજારો લોકોમાં ચિંતા સર્જવા બાબતે કચ્છ ભાજપને લોકોની નજરમાં શરમજનક સ્થિતિમાં મુકયો છે.

આમેય ગટર, ખાડાવાળા રસ્તા અને પાણી ભરાવવાની સમસ્યાએ ભુજના લોકોને પરેશાન કરી મુકયા છે.

(11:10 am IST)