Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ખેરવાના ખંઢેર મકાનમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ બુટલેગર મોન્ટુ ઝાલાનો ૨.૭૦ લાખનો દારૂ પકડાયો

અનિરૂધ્ધસિંહ ઉર્ફ મોન્ટુને અગાઉ રાજકોટ ક્રાઇમ બ્રાંચે હથીયાર અને દારૂના ગુનામાં પકડ્યો'તોઃ મોરબીના દારૂના ગુનામાં પણ સંડોવણીઃ પાસામાં પણ જઇ આવ્યો છેઃ પીઆઇ આર.વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ એ. એસ. સોનારાની ટીમનો દરોડોઃ હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા અને કોન્સ. અજીતસિંહની બાતમી

રાજકોટ તા. ૨૬: કુવાડવા તાબેના ખેરવા ગામની સીમમાં આવેલા ખંઢેર જેવા મકાનમાં જુના બુટલેગર મોન્ટુએ દારૂનો જથ્થો ઉતાર્યાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચે દરોડો પાડતાં તે હાજર મળ્યો નહોતો. પરંતુ ખંઢેર મકાનમાંથી રૂ. ૨,૭૦,૦૦૦નો ૯૦૦ બોટલ (૭૫ પેટી) દારૂનો જથ્થો મળતાં કબ્જે કરી ગુનો નોંધી મોન્ટુની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાંચે ખેરવા ગામે ખંઢેર જેવા મકાનમાં દરોડો પાડતાં લંડન પ્રાઇડ બ્રાન્ડની વ્હીસ્કીના ૭૫ બોકસ મળ્યા હતાં. આ દારૂનો જથ્થો ખેરવાના અનિરૂધ્ધસિંહ ઉર્ફ મોન્ટુ ગંભીરસિંહ ઝાલાએ ઉતાર્યો હોવાનું ખુલતાં ગુનો નોંધાયો હતો. તે તેના ઘરે મળી આવ્યો ન હોઇ શોધખોળ થઇ રહી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અગાઉ રાજકોટ ક્રાઇમ બ્રાંચે મોન્ટુ ઝાલાને દારૂના અને ગેરકાયદેસર હથીયારના ગુનામાં પકડ્યો હતો. આ ઉપરાંત તેના વિરૂધ્ધ મોરબીમાં પણ દારૂનો કેસ છે અને પાસામાં પણ જઇ આવ્યો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના મુજબ પીઆઇ આર.વાય. રાવલના માર્ગદર્શનમાં પીએસઆઇ અતુલ એસ. સોનારા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, નિલેષભાઇ ડામોર, તથા કોન્સ. અજીતસિંહ પરમાર પેટ્રોલીંગમાં હતાં ત્યારે સમીરભાઇ, અનિલભાઇ અને અજીતસિંહની બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો. મોન્ટુ ઝડપાયા બાદ બીજા નામ ખુલવાની શકયતા છે.

(10:33 am IST)