Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

જૂનાગઢનાં પ્રકૃતિપ્રેમી યુવાનોએ ચોમાસા પહેલા સ્વખર્ચે અને શ્રમદાન કરીને ચેકડેમને રિપેર કર્યો હતોઃ સારા વરસાદને કારણે આ ચેકડેમ વરસાદી પાણીથી સંપૂર્ણ ભરાઇ ગયો

 

જૂનાગઢ: જૂનાગઢનાં પ્રકૃતિપ્રેમી યુવાનોએ ચોમાસા પહેલા સ્વખર્ચે અને શ્રમદાન કરીને ચેકડેમને રિપેર કર્યો હતો તેની મહેનત ખરેખર રંગ લાગી છે. છેલ્લા છોડા દિવસોમાં થયેલા સારા વરસાદને કારણે ચેકડેમ વરસાદી પાણીથી સંપૂર્ણ ભરાઇ ગયો છે. યુવાનો ભેગા મળી એક નાનકડું કામ કરે તો પણ કુદરતને કેવી રીતે મદદરૂપ થઇ શકાય તેનું ઉત્તમ ઉદાહરણ છે.

 

વંસુધરા નેચર ક્લબ સાથે જોડાયેલા યુવાનોએ ગીરનાર વન્યપ્રાણી અભ્યારણ્ય પાસે આવેલા ચેકડેમને શ્રમદાન કરી રિપેર કર્યો હતો.
જૂનાગઢમાં ગીરનાર વન્યપ્રાણી અભ્યારણ્યની નજીક લાલઢોરી વિસ્તારમાં વર્ષો પહેલા વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે એક ચેકડેમ બનાવવામાં આવ્યો હતો પણ છેલ્લા થોડા વર્ષોથી ચેકડેમનાં તળીયાંમાં ગાબડા પડતાં તેનું પાણી વહી જતું હતું અને ચેકડેમનું ધોવાણ થતું હતું.

વન્યપ્રાણી અભ્યારણ્યની નજીક હોવાનાં કારણે ચેકડેમ સિંહ, દિપડા, હરણ અને મગર માટે પાણીનો મહત્વનો સ્ત્રોત પણ હતો.

વસુંધરા નેચર ક્લબનાં પ્રણવ વઘાસિયાએ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું કે, વર્ષે પાંચમી જૂન (પર્યાવરણ દિવસ)ના રોજ અમે ભેગા મળી ચેકડેમને રિપેર કરવાનું શરૂ કર્યુ હતું.
ચેકડેમ રિપેર કરવામાં 20 જેટલા લોકો જોડાયા અને સૌએ શ્રમદાન કર્યુ. કેટલાક લોકોએ કામથી પ્રેરાઇને નાણાકીય ટેકો આપ્યો અને દસ દિવસમાં સફળતાપૂર્વક કામ પાર પાડ્યું. ચેકડેમની અંદરના ભાગે નીચે ભંગાણ થયું હતું અને પાણી વહી જતું હતુ. અમે આરસીસી વર્ક કરી ફૂટ ઉંડો ખાડો કરી તે ગાબડુ પુર્યુ અને તેના પાછળનાં ભાગે વરસાદી પાણીનો ધોધ ધીમો પડે તે માટે એક પાળો ચણ્યો જે પ્રોટેક્શન વોલ બની ગયો”.

કુદરતની કૃપા થઇ અને જૂનાગઢમાં વરસાદ પણ સારો થયો. ચેકડેમમાં અંદાજિત 40 લાખ લિટરથી વધુ પાણી સંગ્રહ થાય તેટલી ક્ષમતા છે. હાલ ચેમડેમ સંપૂર્ણ ભરાયો છે. પાણી જોઇને એમ લાગે છે કે, અમારી મહેનત સાર્થ નિવડી. શ્રમદાન કાર્યમાં શિક્ષકો, ડોક્ટરો તથા અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જોડાયા હતા. સૌ લોકો તેમની આસપાસ આવેલા ચેકડેમો, તળાવોને આવી રીતે સાચવે તો વરસાદી પાણી સંગ્રહ ક્ષેત્રે મોટુ કામ થઇ શકે”. પ્રણવ વઘાસિયાએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું.

(6:39 pm IST)