Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

૧૦ સેમ્પલના બાકી રિપોર્ટના સસ્પેન્સ વચ્ચે કચ્છમાં ત્રીજો દિવસ કોરોઃ અજમેરમાં અંજારના શ્રમિકનું કોરોનાથી મોત

કોરોનાના ફૂંફાડા વચ્ચે કચ્છમાં આંકડાકીય મુદ્દે તંત્ર દ્વારા ખો-ખો ની 'રમત' દરમ્યાન 'હું પણ કોરોના વોરિયર' અભિયાનમાં લોકોની ઉદાસીનતા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨૬: કચ્છમાં સતત ત્રીજે દિવસે પણ એકેય પોઝિટિવ કેસ નહીં આવ્યો હોવાના દાવા સાથે તંત્ર નિરાંતનો શ્વાસ લઈ રહ્યું છે. જોકે, આ દાવાઓ વચ્ચે કચ્છમાં આંકડાકીય બાબતે તંત્રની ખો-ખો ની રમત હજી ચાલુ જ છે.

એક બાજુ સરકાર સંવેદનશીલતાના સાથે પારદર્શક કામગીરીનો દાવો કરે છે. બીજી બાજુ કચ્છમાં હજીયે કોરોનાની કામગીરી બાબતે તંત્રનું સસ્પેન્સ બરકરાર છે. કેટલા સેમ્પલ લેવાયા અને કેટલાનો રિપોર્ટ આવ્યો એ વિશે માહિતી આપવામાં ખો-ખો રમતા અધિકારીઓ ના વલણને પગલે સરકારના 'હું પણ કોરોના વોરિયર્સ' અભિયાન તરફ કચ્છમાં લોકોની ઉદાસીનતા જોવા મળે છે.

હજીયે આજે દસ સેમ્પલના રિપોર્ટ પેન્ડિંગ રખાયા હોવાનું જાણવા મળે છે. જયારે જયારે રિપોર્ટ પેન્ડિંગ રહ્યા છે, ત્યારે ત્યારે કચ્છમાં પોઝિટિવ દર્દીઓ મોડેથી જાહેર કરાયા છે. એટલે પોઝિટિવ દર્દીઓની આશંકા લોકો સેવી રહ્યા છે.

તે વચ્ચે અંજારથી ગયા અઠવાડિયે પોતાના વતન ગયેલા શ્રમિકનું કોરોનાથી મોત નીપજયું હોવાના સમાચાર છે.

અજમેરમાં કોરોનાથી મૃત્યુ પામેલા ૫૮ વર્ષીય દિલીપ રામચંદ્ર કચ્છના અંજારથી ૧૮/૫ ના વતન અજમેર ગયા હતા.

જોકે, આ શ્રમિક કોઈના પણ કોન્ટેકટમાં આવ્યા ન હોવાનો કચ્છના તંત્રએ ખુલાસો કર્યો છે.

(11:34 am IST)