Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ભાવનગરના જેસર અને ગઢડામાં ર કોરોના પોઝીટીવ

બોટાદ જીલ્લો કોરોના મુકત બન્યા બાદ પ્રથમ કેસ નોંધાતા ચિંતાઃ ગોહિલવાડમાં કોરોનાનો આંક વધીને ૧૧૬

ભાવનગર તા. ર૬: ભાવનગર જીલ્લામાં અને બોટાદ જીલ્લામાં કોરોનાના બે કેસ નોંધાતા ચિંતા પ્રસરી ગઇ છે.

ભાવનગરનાં જેસર ગામે અમદાવાદથી આવેલા વધુ એકનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ સાથે જીલ્લામાં કુલ કોરોનાનો આંક વધીને ૧૧૬ થયો છે.

અમદાવાદ સહિતનાં શહેરોમાંથી ભાવનગર આવી રહેલા લોકો કોરોનામાં સપડાઇ રહ્યા હોવાનો બનાવો બની રહ્યા છે. છેલ્લા અઠવાડીયામાં જે કેસો આવ્યા છે. તે અમદાવાદ કે સુરતથી આવેલા લોકો છે આમ બીજા જીલ્લા કે રાજયમાંથી આવન-જાવન ભાવનગરને ભારે પડી શકે તેમ છે.

ભાવનગરનાં જેસર તાલુકાનાં અપાવેજ ગામનાં બાબુભાઇ ચુડાસમા ઉ.વ. ૪૯ અમદાવાદમાં સિલાઇ કામ કરે છે તે લોકડાઉનમાં બંધ હતું. બે દિવસ પહેલા તબીયત બગડતાં તે અમદાવાદથી ભાવનગર વતન આવેલા દરમ્યાન તેની તબીયત વધુ બગડતાં તેને ભાવનગરની સરટી. હોસ્પીટલમાં ખસેડાયેલ જયાં તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે તેની પત્ની અને બે પુત્રોને સમરસ હોસ્ટેલમાં રાખવામાં આવ્યા છે. આ સાથે ભાવનગરમાં કુલ કોરોના પોઝીટીવ આંક વધી ૧૧૬ થયો છે.

બોટાદ જીલ્લો કોરોના મુકત થયા બાદ ફરી ગઢડાના ૪૦ વર્ષના યુવકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે આ યુવક અમદાવાદથી આવ્યો હતો. ગઢડામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. કલેકટર તંત્ર દ્વારા મેડિકલ ચેકઅપ સહિતની કામગીરી હાથ ધરી છે. તેમ જીલ્લા કલેકટર વિશાલ ગુપ્તાએ જણાવ્યું છે.

ભાવનગરમાં ૮૧.૭૩ ટકા દર્દી સાજા થયા

ભાવનગર તા. ર૬: આજ સુધી ૧૧૬ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં ૯૪ દર્દીઓ સાજા થતાં તેને રજા અપાઇ છે અને ૮ના મોત નિપજયા છે. હવે ભાવનગરમાં ૧પ દર્દીઓ સારવારમાં છે. ભાવનગરમાં કોરોના પોઝીટીવ સામે જંગ જીત્યો હોય તેવા દર્દીઓનો રિકવરી રેઇટ ૮૧.૭૩ ટકા થયો છે.

(11:32 am IST)