Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

મોરબીમાં આયોજિત એક્સપોર્ટ કોન્ક્લેવમાં સિરામિક, પોલીપેક સહીત ૩૦૦ થી વધુ એક્સપોર્ટર તેમજ ઉધોગ સાહસિકો જોડાયા.

તજજ્ઞોએ તલસ્પર્શી માહિતી સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું.: સીરામીક ઉદ્યોગની સાથે -સાથે અન્ય ઉદ્યોગ સાહસિકોએ પણ નિકાસ માટે ઉત્સુકતા દાખવી

મોરબી : મોરબીમાં આજે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા વહીવટી તંત્ર અને મોરબી સીરામીક એસોસીએશનના સહિયારા પ્રયાસોથી એક્સપોર્ટ કોન્ક્લેવનું આયોજન કરાયું હતું. જેમાં સીરામીક ઉપરાંત પોલીપેક સહિતના અન્ય ઉદ્યોગકારોએ પણ રસ દાખવી તજજ્ઞો પાસેથી નિકાસ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

આઝાદી કે અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર મોરબી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબી અને મોરબી સીરામીક એસોશિએશનના સંયુક્ત ઉપક્રમે અહીંની હોટેલ ફર્ન રિસોર્ટ ખાતે એક્સપોર્ટને ઉતેજન આપવા એક દિવસીય કોન્ક્લેવનું આયોજન કરાયું હતું. જેમાં મોરબીના નવલોહિયા ૩૦૦ થી વધારે ઉદ્યોગ સાહસિકો ઉત્સાહભેર જોડાયા હતા અને એક્સપોર્ટ અંગે તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.
એક્સપોર્ટ કોન્ક્લેવમાં અધિક નિવાસી કલેકટર એન.કે.મુછાર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર એસ.બી. ભાટિયા, એસબીઆઇના યાદવેન્દ્રકુમાર, રાકેશ કુમાર, ફોરેન ટ્રેડ પોલિસી એક્સપર્ટ મનીષ જૈન, મોરબી સીરામીક એસોસીએશનના મુકેશભાઈ કુંડારીયા, નિલેશભાઈ જેતપરીયા, વિનોદ ભાડજા, કિરીટભાઈ પટેલ અને જગદીશભાઈ પનારા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

(10:33 pm IST)