Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

સુરેન્દ્રનગર શાહ કોલેજનો વિદ્યાર્થી માંગરોળના શેરિયાજનો મોહિત ત્રણ વર્ષે મુંબઇથી મળ્યો

વઢવાણ તા. ૨૫ : માંગરોળ નજીક આવેલા શેરિયાજ ગામમાં મોહીત મકવાણા ૧૨મું પાસ કર્યા પછી સુરેન્દ્રનગરની સી યુ શાહ કોલેજમાં મેડીકલમાં પ્રવેશ લીધો હતો. મોહિત ડોકટર બનીને ઘરે આવશે તેવી મા-બાપ રાહ જોઈ રહ્યા હતા. ત્રીજા વર્ષમાં આવેલો મોહીતનો તા ૨ ફેબ્રુઆરીના ૨૦૧૪થી સંપર્ક ન થતાં માતા પિતાએ કોલેજમાં તપાસ કરી પણ તેનો પત્ત્।ો લાગ્યો નહીં. જેથી મા-બાપે સુરેન્દ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

દોઢ વર્ષ બાદ પણ સુરેન્દ્રનગર ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશીયલ ઓપરેશન ગ્રુપને મોહિતને શોધવામાં કોઈ સફળતા મળી ન હતી. તેથી પરિવારે સાંસદો અને ધારાસભ્યોને રજુઆત કરી એટલે ગૃહ વિભાગની સુચનાથી મામલો ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને ૨૦૧૬માં સોંપાયો હતો. ક્રાઈમ બ્રાન્ચે ડીવાયએસપી જુગલ પુરોહીતને આ કેસની તપાસ સોંપી હતી. ડીવાયએસપીની બે વર્ષની તપાસમાં પણ સફળતા મળી ન હતી.

૨૦૧૮માં ડીવાયએસપીની ગાંધીનગર બદલી થતાં કેસ ફરી સુરેન્દ્રનગર પોલીસને સોંપી દેવાયો હતો. એક વર્ષ પછી ડીવાયએસપીને જુનાગઢના માંગરોળ ખાતે ડીવાયએસપી તરીકે મુકાયા હતા. તેથી મોહિતના પિતા ફરી ડીવાયએસપીની ઓફિસના ચક્કર લગાવવાનું શરૂ કરી દીધું હતું.

ડીવાયએસપીને માંગરોળના આરોગ્ય કેન્દ્રમાંથી મોહિતનો આધારકાર્ડ નંબર મેળવ્યો હતો. આરોગ્ય કેન્દ્રના અધિકારીએ આધારકાર્ડ નંબર નાખી તપાસ કરતાં મોહિતે મુંબઈના થાણેમાંથી વેકિસન લીધી હોવાનું જાણવા મળ્યું હતું. મુંબઈમાં કયાં છે તે શોધવું હવે મુશ્કેલ હતું.

આધારકાર્ડના આધારે તપાસ કરી તો બીજી કડી મળી કે મોહીતનું થાળેની સીબીઆઈ બેન્કમાં ખાતુ છે અને ત્યાંથી રજીસ્ટ્રર મોબાઈલ નંબર મળી આવ્યો હતો. ટેકનિકલ ટીમે મુંબઈમાં જઈ તપાસ કરતાં અંબરનાથ પોલીસની સાથે રહી મોહિતને શોધી કાઢયો હતો. પિતા પણ મુંબઈ પહોંચી ગયા અને પુત્ર મોહિતને પરત લઈ આવ્યા હતા.

(11:32 am IST)