Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ખંભાળીયામાં ર ઇંચ : ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક વરસાદ

ગામમાં પાણી-પાણી અને ઘી ડેમ ઉપર છાંટોય નહી : વિચિત્ર વરસાદ : ૩૦મી સુધી વરસાદ વરસવાની આગાહી

ખંભાળીયા, તા. રપ : લાંબા સમયથી વરાપ નીકળતા પછી ગઇકાલે સાંજે હળવો વરસાદ ગાજ્યો હતો. જયારે આજે સવારે સાતેક વાગ્યે હળવી ગાજવીજ સાથે છાંટા શરૂ થયેલા જે સવારે પોણા આઠ વાગ્યે ધોધમાર ચાલુ થતાં સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું તથા સવા કલાકમાં મુશળધાર વરસાદ પડતા ખંભાળીયામાં દોઢ ઇંચ જયારે નજીકના હર્ષદપુર, હરિપુર, ધરમપુર વિ. વિસ્તારોમાં બે ઇંચ જેટલો વ્યાપક વરસાદ પડયો છે.

આજે પડેલો વરસાદ વિચિત્ર હતો ગામમાં દોઢ ઇંચ તથા હર્ષદપુર હરિપુર વિ. વિસ્તારોમાં બે ઇંચ વરસાદ પડતા રોડ પર પૂર નીકળી ગયા ત્યારે ખંભાળીયાથી રાા કિ.મી. દૂર આવેલા ઘી ડેમ પર છાંટોયે પડયો નથી. ડેમના કર્મચારી ધારણીભાઇ રેઇનકોટ પહેરી ડેમે પહોંચ્યા તો ત્યાં છાંટોયે નહતો અને ગામમાં પૂર હતા. !!

હર્ષદપુર, રામનગર, ધરમપુર, હરિપુર, કોડા વિસોત્રી, કુબો વિસોત્રી, સલાયા વિ. વિસ્તારોમાં વ્યાપક વરસાદ પડયો હતો. વરસાદ પડવાથી ચેકડેમો ફરીથી છલકાઇ ગયા હતાં તથા વરાપ પછી ફરી વરસાદ પડતા ખેડૂતો પણ આનંદનમાં આવી ગયા છે. પાણી પીવડાવવાનો સમય થયો ત્યાં ફરી વરસાદ આવી ગયો. !!

તાલુકાના આમોટ, વડત્રા, કુહાડીયા વિ. ગામોમાં વરસાદી ઝાપટા પડયા હતાં.

ખંભાળીયા શહેરમાં ફરી એક વખત દોઢ બે ઇંચ જેટલો વરસાદ પડતા ખંભાળીયા શહેરમાં ફરી પાણી પાણીની સ્થિતિમાં મૂકાઇ ગયું હતું. ખંભાળીયામાં નગર ગેઇટ, જોધપુર ગેઇટ તથા રામનાથ રોડ પર ફરી પાણી ભરાયા હતાં તો શહેરના અનેક વિસ્તારોમાં પાણીના ખાડા ખાબોચિયા જે સુકાઇ ગયા હતાં તે ફરી થઇ જતાં ફરી મચ્છરજન્ય રોગનું આક્રમણ વધશે.

શહેર તથા તાલુકાની જનતાને પીવાનું પાણી પુરૂ પાડતા ઘી ડેમમાં ચોમાસાના છેલ્લા વરસાદમાં સપાટી આઠ ફુટ થઇ હતી જે પછી પાણી ફરી નીકળતા ૧રાા ફૂટે પહોંચી છે તથા હજુ આવક વધવા સંભાવના છે. ડેમની કુલ સપાટી ર૦ ફુટની છે તો સિંહણ ડેમ હજુ ઓવરફલો ચાલુ છે.

આજે સવારે થોડા સમયમાં પડેલા ભારે વરસાદનેને કારણે ખંભાળીયાની મેઇન બજારમાં પાણી પાણી થયું હતું તથા શહેરના ઝવેરી બજાર, મુખ્ય બજાર, શાક માર્કેટ, લુહારશાળ વિસ્તારમાં પાણી પાણી થઇ ગયું હતું. તડકો વીજળી અને વરસાદનો ત્રિવેણી સંગમની સ્થિતિ થઇ હતી.

હવામાનના જાણકાર કનુભાઇ કણઝારિયાએ ૩૦ સુધી વરસાદ ચાલુ રહેશે તથા ૪-પ ઇંચ જેટલો વ્યાપક વરસાદ પડશે તેમ જાણકારી આપી હતી.

કનુભાઇએ ગઇકાલે જ જણાવેલ કે ર૪-ના હળવો પડશે રપ ના મધ્યમ તથા ર૬થી ૩૦ સુધીમાં ૪-પ ઇંચ જેટલો વ્યાપક વરસાદ શહેર તથા તાલુકામાં પડશે તેવી જાણકારી આપી હતી.

(1:02 pm IST)