Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ગીર-સોમનાથ જિલ્લાકક્ષાના યુવા ઉત્સવ-બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં કૌવત બતાવતા બાળ કલાકારો

રમશે ગુજરાત જીતશે ગુજરાત સૂત્રને સાર્થક કરી વિધાર્થીઓ સફળ બને :સ્વામી નરનારાયણ દાસજી : ૪૬ કૃત્તિઓમાં સહભાગી થતા ૩૦૦ થી વધુ વિધાર્થીઓ જિલ્લાકક્ષાએ વિજેતા કલાકારોને પ્રદેશ અને રાજ્યકક્ષાએ સ્થાન મળશે

પ્રભાસ પાટણ તા. -૨૪, બાળકો અને વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શકિતને વિકસાવવાં અને રમત-ગમત તેમજ કળાક્ષેત્રે તેઓને પ્લેટફોર્મ મળી રહે તે માટે ગુજરાત સરકારે બાળકોલક્ષી અનેકવિધ ઉત્સવો અને કાર્યક્રમો હાથ ધર્યા છે. ગીર-સોમનાથ જિલ્લાકક્ષાનાં યુવા ઉત્સવ/ બાળ પ્રતિભા શોધ સ્પર્ધા-૨૦૧૯ આજે દ્રોણેશ્વર, સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે યોજાઇ હતી. આ ઉત્સવમાં ગીર-સોમનાથ જિલ્લામાંથી ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ તેમજ બાળકો સહભાગી થવાની સાથે તેઓએ તેમનું કૈાવત બતાવ્યું હતું.

ગીર ગઢડા ના મામલતદારશ્રી કોરડીયાનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ યુવા ઉત્સવમાં બાળકોને શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે, આ યુવા ઉત્સવનાં માધ્યમથી બાળકો અને વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શકિત વિકસાવવાં માટે સોનેરી અવસર છે. આ પ્રસંગે સ્વામિ નરનારાયણ દાસજીએ સફળતાનાં શિખરો સર કરેલા મહાનુભાવોનાં ઉદાહરણ આપી જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ ધારે તે કરી શકે છે. વિદ્યાર્થીઓમાં કોઇને કોઇ શકિત  હા રહેલી હોય છે. તેઓને માત્ર એક પ્લેટફોર્મ કે સચોટ માર્ગ મળવાની સાથે જ વિદ્યાર્થીઓ સફળ થાય છે.

ગુજરાત સરકારનાં રમશે ગુજરાત જીતશે ગુજરાતનાં સુત્રને સાર્થક કરવા માટે વિદ્યાર્થીઓ કટિબધ્ધ છે. જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હરેશ મકવાણાએ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, યુવા ઉત્સવ એ વિદ્યાર્થીઓ માટે ઉમંગનો ઉત્સવ છે. યુવા ઉત્સવ અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં સહભાગી થતા વિદ્યાર્થીઓને તેઓશ્રીએ શુભેચ્છા પાઠવી હતી.

 બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં અ વિભાગમાં ૭ થી ૧૦ વર્ષ, બ વિભાગમાં ૧૧ થી ૧૪ વર્ષ અને ખુલ્લો વિભાગ ૭ થી ૧૪ વર્ષનાં સ્પર્ધકોએ ૧૩ જેટલી જુદી-જુદી કૃતિઓ રજૂ કરી હતી. જેમાં લેખન, કળા, નૃત્ય,ગાયન અને વાદન સહિતની સ્પર્ધામાં ૧૭૦ જેટલા બાળકો સહભાગી થયા હતા. યુવા ઉત્સવમાં અ વિભાગમાં ૧૫ થી ૨૦ વર્ષ, બ વિભાગમાં ૨૧ થી ૨૯ વર્ષ અને ખુલ્લો વિભાગ ૧૫ થી ૨૯ વર્ષનાં સ્પર્ધકોએ ૩૩ જેટલી જુદી-જુદી કૃતિઓ રજુ કરી હતી. જેમાં સાહિત્ય,કલા અને સાંસ્કૃતિક સહિતની સ્પર્ધામાં ૧૫૦ થી વધુ કલાકારો જોડાયા હતા. આ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં વિજેતા કલાકારો -દેશકક્ષાએ અને રાજ્યકક્ષાએ સ્થાન મેળવી ગીર-સોમનાથ જિલ્લાનું પ્રતિનિધીત્વ કરશે.

કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરનાં ઉપક્રમે તેમજ જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીની કચેરી દ્વારા આયોજીત આ સ્પર્ધામાં સીનીયર કોચ કાનજીભાઇ ભાલીયા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનાં શ્રી યોગેશભાઇ ચાવડા,આચાર્યશ્રી જોષી, સ્વામિ હરીકૃષ્ણદાસજી સહિતનાં મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં સ્પર્ધકો અને વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. કાર્યક્રમનું શાબ્દીક સ્વાગત મહેશભાઇ જોષીએ કર્યું હતું. (તસવીર દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)

(11:44 am IST)